BREAKING NEWS

રાજકોટમાં કાર હડફેટે લઇ યુવાનની હત્યાનો પ્રયાસ

  • November 06, 2025 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં જામનગર રોડ પર એઇમ્સ પાસે મનરહરપુરના શખસે કારથી ટક્કર મારી માધાપરમાં રહેતા યુવાનની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી જયારે તેની પાછળ બેઠેલા અન્ય યુવાનને પણ ઇજા થઇ હતી. યુવાનને અગાઉ આરોપી સાથે માથાકૂટ થઇ હોય તેનો ખાર રાખી આ ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા માધાપર ગામે જુના ગેઇટની અંદર કોળીવાસ રહેતા રવિભાઇ રાયમલભાઇ જાખેલીયા(ઉ.વ. ૨૭) દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંજય રાજુભાઇ જાખેલીયા(રહે. મનહરપુર-૧) નું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે ઇશ્વરીયા પાર્કની સામે આવેલ લાલાભાઇ ડોડીયાની વાડીએ છેલ્લા ત્રણેક વર્ષથી ખેતીકામ કરે છે.


ગઇકાલે બપોરના બારેક વાગ્યે લાલાભાઈની વાડીએથી બાઇક લઇને ઘરે માધાપર જમવા જવા માટે જતો હતો ત્યારે માધાપરવાળા રોડ પર આવતા ત્યા એક ડાર્ક ગ્રે જેવા કલરની કાર લઈને સંજય જાખેલીયા ઉભો હતો. તેણે બોલાવતા યુવાને બાઇક ઉભુ રાખ્યું હતું. ત્યારે સંજયે કહ્યું હતું કે, તને ઘણા દિવસથી શોધુ જ છું આજે આપણે અગાઉથી માથાકુટનો નિવાડો લાવી દેવો છે, આજે તો તારૂ પુરુ કરી નાખવું છું તેમ કહેતા યુવાને તેને કહ્યું હતું કે, હું માથાકુટ કરવા નવરો નથી મારે તારી સાથે કોઇ લપ કરવી નથી તેમ કહી તે બાઇક લઇ ત્યાંથી નીકળી ગયો હતો.


યુવાન એઇમ્સવાળા રોડ પરના સર્કલ પાસે પહોંચતા ત્યા રોડ ઉપ૨ તેનો મિત્ર મનસુખ ઉભો હોય જેણે તેને માધાપરના ગેઇટ સુધી લઇ જવા જણાવતા યુવાને તેને બાઇકમાં બેસાડયો હતો. બાદમાં બંને માધાપર તરફ જવા નીકળેલ અને સર્કલ ક્રોસ કરી સર્કલથી થોડે આગળ પહોંચતા આ સંજય જે કાર લઈ ઉભો હતો તે જ કાર લઈને એકદમ સ્પીડમાં પાછળ આવી બાઇકને જોરદાર ટક્કર મારતા બંન્ને રોડ ઉપર ઢસડાઈને પડી ગયા હતાં.બાદમાં સંજય તેની કાર લઈને જતો રહ્યો હતો યુવાનને વધુ ઇજા પહોંચી હતી જયારે મનસુખને સામાન્ય ઇજા થઇ હતી.દરમિયાન કોઇ રાહદારી કાર લઈને ૫સાર થતા હતા તેણે યુવાન અને તેના મિત્ર મનસુખને કારમાં બેસાડી એઇમ્સ હોસ્પિટલમાં લાવી સારવારમાં દાખલ કર્યા હતાં. યુવાનને માથામાં જમણી બાજુએ, જમણા હાથે, જમણી બાજુ પડખામાં, જમણા પગે તથા મોઢાના ભાગે ઇજા થઇ છે. જેમાં જમણા હાથે તથા જમણા પગે તથા જમણી બાજુ પાંસડીમાં ફેક્ચર થયાનું નિદાન થયું હતું.


યુવાનના ભાઇએ જણાવ્યું હતું કે, આરોપી સંજયને કોઇ સાથે દુશ્મની ચાલતી હોય રવિ તેનો મિત્ર હોય તે તેની સાથે રહેતો હોવાનો ખાર રાખી સંજયે અગાઉ ત્રણેક માસ પહેલા ઝગડો કર્યો હતો. જે ઝઘડાનો ખાર રાખી યુવાન યુવાનને મારી નાખવાના ઇરાદે તેને કાર હેઠળ કચડાવનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રવિને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે ગાંધીગ્રામ સંજય જાખેલીયા સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application