BREAKING NEWS

જૂના યાર્ડ પાસે મકાનમાં ચોરીનો પ્રયાસ: એક ઝડપાયો,અન્યને અકસ્માત થતા હોસ્પિટલમાં

  • November 05, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જુના યાર્ડ પાસે મકાનમાં ત્રણ શખસો ચોરી કરવા ઘૂસ્યા હતાં. દરમિયાન અહીં જાગૃત રહેવાસીને શંકા જતા તેણે અન્ય પાડોશીને જાણ કરી મકાને જતા આ ત્રણેય શખસો ભાગવા જતા સગીર ઝડપાઇ ગયો હતો.જયારે અન્ય એક શખસને રસ્તામાં અકસ્માત નડતા તે હોસ્પિટલ પહોંચ્યો હતો. જયારે નામચીન લખન માલાણીને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.


ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હુડકો આરએમસી ક્વાર્ટર આરટીઓ પાછળ રહેતા હિતેશભાઈ જીવાભાઇ મકવાણા (ઉ.વ. 37) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ચાંદીકામ કરે છે.


તા. 4/11 ના મોડીરાત્રીના તે ઘર નજીક પાનના ગલ્લે માવો ખાવા માટે ગયો હતો. બાદમાં રાત્રિના આશરે પોણા ત્રણેક વાગ્યા આસપાસ તેમના ઘર પાસે મનજીતસિંહ સબરવાલના ઘરની પાસેના રસ્તા પરથી પસાર થતાં ઘરના અંદરના ભાગે કંઈક તોડતા હોય તેવો અવાજ આવ્યો હતો. આ મંજીતસિંહ પોતે હાલ મુંબઈ છે અને થોડા દિવસો સુધી ઘરે આવવાના નથી તેવો યુવાનને ખ્યાલ હોય જેથી અંદર ચોર હોવાની શંકા ગઈ હતી. જેથી તેણે થોડે દૂર જઈ મિત્ર ધર્મેશભાઈને ફોન કર્યો હતો અને બાદમાં તે તેનો મિત્ર ધર્મેશ તથા પાડોશીઓને અવાજ કર્યા વગર ધીમેથી બોલાવી લીધા હતા.


અહીં ઘર પાસે જઈ જોતા સરદારજીના મકાનનું બહારની ડેલીનું તાળું લાગેલું હતું પરંતુ મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને દરવાજો અડધો ખુલ્લો હતો. જેથી ધર્મેશભાઈએ ડેલી કૂદી અંદર જવાનો પ્રયાસ કરતા અચાનક અંદરથી ત્રણ શખસો બહાર આવ્યા હતા અને તેમની પાસે હથિયાર હોય તેવું માની યુવાન તથા અન્ય રહેવાસીઓ પાછળ હટી ગયા હતા. બાદમાં આ શખસો અહીંથી ભાગવા જતા એક શખસને પકડવા જતા તે ઢસડાઇ પડી ગયો હતો જેથી તેની સામાન્ય ઇજા પહોંચી હતી. જેને રહેવાસીઓએ પકડી લીધો હતો બાદમાં તેની પૂછપરછ કરતા તે સગીરવયનો હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે તેની સાથેના બે શખસો બાબતે પૂછતા તેના નામ લખન બચુભાઈ માલાણી અને પ્રિન્સ અશોકભાઈ પરમાર (રહે. બંને ચુનારાવાડ, ભાવનગર રોડ) હોવાનું જણાવ્યું હતું. તેમજ તેણે કહ્યું હતું કે અમે ત્રણેય અહીં આટાફેરા કરતા હતા અને બંધ મકાન જોઈ ચોરી કરવાના ઇરાદે અંદર ઘુસ્યા હતા. જેથી આ બાબતે તુરંત પોલીસને જાણ કરી હતી. બાદમાં બી ડિવિઝન પોલીસે અહીં પહોંચી ઝડપાયેલા આ સગીરને પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ તપાસ હાથ ધરી હતી.


બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એસ.રાણે અને પીએસઆઇ જે.આર. સોલંકીની રાહબરીમા ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, અહીંથી નાસી ગયેલા બે આરોપીઓ પૈકી પ્રિન્સ પરમારને અકસ્માત નડતા હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે લખન બચુ માલાણી હાથ લાગ્યો નથી. લખન સામે અગાઉ ઘરફોડ ચોરી સહિતના સંખ્યાબંધ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application