કોંગ્રેસના આગેવાનો આજે ખોડલધામ દર્શન માટે ગયા હતા. જોકે આને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ જણાવ્યું છે કે, કોંગ્રેસના આગેવાનો આજે ખોડલધામમાં ધ્વજારોહણ માટે પધાર્યા છે. મા ખોડલનું ધામ એ સમગ્ર ગુજરાત માટે આસ્થાનું ધામ છે. ત્યાં કોઈ આવે તેનું સ્વાગત જ હોય. પરંતુ કોંગ્રેસનો ઈરાદો ચૂંટણીના શ્રીગણેશ અને પ્રચાર કરવાનો છે.
ઘણા દીકરાઓને મોતને ઘાટ ઉતાર્યા હતા
વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રના ખેડૂતોના દીકરાઓ ગાંધીનગરમાં વીજળી માંગવા ગયા હતા ત્યારે તેમના પર ગોળીઓ ચલાવી હતી. ઘણા દીકરાઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આજે પણ તેમની ખાંભીઓ ગાંધીનગરમાં જીવંત છે. સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓની હત્યાઓ કોંગ્રેસના સમયમાં જ થઈ હતી.
પાટીદારો એ ક્યારેય ભૂલશે નહીં
વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્રના પાટીદારો અને ખેડૂતો આ ઘટનાને ક્યારેય ભૂલશે નહીં. કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પર જે રીતે અત્યાચારો થતા હતા. જે રીતે ચોરીઓ થતી હતી તે વાતને હજી પણ ખેડૂતો અને પાટીદારોને યાદ છે. કોંગ્રેસ કોઈપણ પ્રકારે પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કરશે પણ પાટીદારો એ ક્યારેય ભૂલશે નહીં. એટલા માટે કે, કોંગ્રેસનું શાસન રાજ્ય અને કેન્દ્રમાં વર્ષો સુધી રહ્યું પણ એક પાટીદારને મહત્વનું સ્થાન આપ્યું નથી. આ વાતને પાટીદારો ગુજરાતમાં સારી રીતે જાણ છે.