BREAKING NEWS

ભાજપના ૨૦ હોદ્દા માટે ૬૦ નામની પેનલ પ્રદેશમાં રજૂ

  • November 05, 2025 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સંગઠન સંરચના અંતર્ગત રાજકોટ શહેરના ભારતીય જનતા પાર્ટીના હોદેદારો નિયુક્ત કરવા માટેની પ્રક્રિયા આગળ ધપી છે. રાજકોટ શહેર ભાજપના હોદેદારો માટે સેન્સ લેવા આજે પ્રદેશ ભાજપમાંથી નિરીક્ષક તરીકે અમદાવાદના પૂર્વ મેયર બિજલબેન પટેલ પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર સવારે ૯-૦૦ કલાકે રાજકોટ શહેર કમલમ ખાતે આવી પહોંચ્યા હતા અને અપેક્ષિતોને સાંભળ્યા હતા. રાજકોટ શહેર ભાજપના ૨૦ હોદ્દાઓ માટે ધારાસભ્યો, સાંસદો, પદાધિકારીઓ, રાજકોટ સ્થિત રાજ્ય અને કેન્દ્રના પૂર્વ મંત્રીઓ, રાજકોટ સ્થિત પ્રદેશ હોદેદારો, શહેર પ્રમુખ તેમજ પૂર્વ શહેર પ્રમુખ સહિતના અપેક્ષિત આગેવાનો -પદાધિકારીઓને સાંભળ્યા હતા. સૌએ પોતાના લગતા વળગતાઓના નામ રજૂ કર્યા હતા.

પ્રદેશ નિરીક્ષકોએ સવારે ૯-૩૦ વાગ્યાથી સેન્સ લેવાનું શરૂ કર્યું હતું જે પ્રક્રિયા બપોરે ૧-૩૦ વાગ્યા સુધી ચાલી હતી. સૌપ્રથમ જનરલ મિટિંગમાં સૌની ઉપસ્થિતિમાં રાઉન્ડ ટેબલ ચર્ચા કરી હતી જેમાં દાવેદારો સિવાયના અપેક્ષિતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ વન ટુ વન સાંભળ્યા હતા. વન ટુ વન ચર્ચા દરમિયાન દરેકે વિવિધ હોદ્દાઓ માટે પોતાના લાગતા વળગતાઓના નામ રજૂ કર્યા હતા, અલબત્ત લેટરપેડ ઉપર લેખિતમાં આપ્યા હતા. જ્યારે રૂબરૂ ચર્ચા દરમિયાન જે નામ માટે ભલામણ કરી હોય તે નામ શા માટે લાયક છે તે માટેના તર્ક રજૂ કર્યા હતા. કુલ ૨૦ હોદ્દા માટે અનેક નામ રજૂ થયા હતા જેમાંથી હોદ્દા માટે લાયક જણાતા હોય તેવા ત્રણ ત્રણ નામોની પેનલ બનાવી પ્રદેશ અધ્યક્ષ સમક્ષ રજૂ કરાશે તેમાંથી પ્રદેશ અધ્યક્ષ નામ ફાઇનલ કરશે. આગામી તા.૧૦ નવેમ્બર સુધીમાં હોદ્દેદારોના નામની જાહેરાત થઇ જાય તેવી સંભાવના છે. આજે કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ નિરીક્ષકો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે સાથે અડધો કલાક બંધ બારણે મિટિંગ યોજીને દરેક હોદ્દા અંગે તેમનો અભિપ્રાય મેળવ્યો હતો. ત્યારબાદ પ્રદેશ નિરીક્ષકો બપોરે જ અમદાવાદ જવા રવાના થઇ ગયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application