BREAKING NEWS

અમદાવાદમાં પોલીસે કાર્યકરને લાફો મારતા ભાજપ વિફર્યોઃ મારામારીના દૃશ્યો સર્જાયા

  • April 28, 2026 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી દરમિયાન આજે એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજ ખાતે ભારે હોબાળો અને ઉત્તેજનાભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. મતગણતરી કેન્દ્ર પર સુરક્ષામાં તૈનાત પોલીસ અધિકારી અને ભાજપના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થતા વાતાવરણ ગરમાયું હતું.


પ્રાપ્ત વિગતો અનુસાર, એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજ ખાતે જ્યારે વોર્ડના પરિણામો જાહેર થઈ રહ્યા હતા, ત્યારે પ્રવેશ દ્વાર પાસે વ્યવસ્થા જાળવવા બાબતે પોલીસ અને ભાજપના કેટલાક કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ દરમિયાન એક પોલીસ અધિકારીએ ઉશ્કેરાઈને ભાજપના કાર્યકર્તાને લાફો મારી દેતા મામલો બિચક્યો હતો.


પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના વિરોધમાં ભાજપના અન્ય કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને શાંતિપૂર્ણ રીતે હાજર રહેલા કાર્યકરો પર હાથ ઉપાડી રહી છે.

ઘટનાને પગલે મતગણતરી કેન્દ્રની બહાર અફરાતફરી મચી ગઈ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાર્યકરોને શાંત પાડવા અને મામલો થાળે પાડવા માટે મધ્યસ્થી કરી હતી. આ ઘટનાને કારણે થોડા સમય માટે મતગણતરી કેન્દ્ર પર કામગીરી પ્રભાવિત થઈ હતી, પરંતુ વધારાનો પોલીસ કાફલો ઉતારીને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હાલમાં આ મામલે લેખિત ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application