ગુજરાતમાં હાલ એસઆઈઆર હેઠળ મતદાર યાદીની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. આ કામગીરીની જવાબદારી ગુજરાતની શાળાઓના શિક્ષકોને સોંપાઈ છે. પરંતુ કામના ભારણ હેઠળ રાજ્યમાં બીએલઓના મોતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. ગત રાત્રે મહેસાણાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે એસઆઈઆરની કામગીરી દરમિયાન બીએલઓને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. આથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. જો કે, હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેણે રસ્તામાં દમ તોડી દીધો હતો. બીએલઓના મોતથી નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મળતી માહિતી મુજબ, સુદાસણા ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને બીએલઓ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રાવળ (ઉં.વ.50)નું ગત રાત્રે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે દિનેશભાઈ દિવસે કામગીરી કરી શકતા નહોતા, આથી તેઓ રાત્રે લગભગ બે વાગ્યે જાગીને એસઆઈઆરની કામગીરી કરી રહ્યા હતા. કામગીરી દરમિયાન તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઊપડ્યો હતો. તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ માર્ગમાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. સુદાસણા ગામની શાળા તેમજ સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
2001થી શિક્ષક તરીકે ફરજ બજાવતા
દિનેશભાઈ સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય હતા. તેઓ સુદાસણા પ્રાથમિક કન્યા શાળામાં 17 જાન્યુઆરી 2001થી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. બીએલઓ તરીકેનું કામ તેમના સુદાસણાના ભાગ નંબર 3માં બૂથ નંબર 38ની અંદર હતું. એસઆઈઆરની કામગીરીની અંદર જે ફોર્મ હોય છે તે ઓનલાઈન અપલોડ કરવાના હોય છે. જોકે દિનેશભાઈની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી તેઓ સતત છેલ્લા બે-ચાર દિવસથી રાત્રે ઊઠી ફોર્મને અપલોડ કરવાની કામગીરી કરતા હતા.
રાત્રે બે વાગ્યાની આસપાસ ઊઠીને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા
ગઈકાલે રાત્રે પણ એ લગભગ બે વાગ્યાની આસપાસ ઊઠીને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે. એમના પરિવારના જણાવ્યા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. પરિવારજનોને જાણ થતાં તેમના મિત્રોને બોલાવ્યા હતા. ગામમાં હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં ડોક્ટર હાજર ન હોવાથી સારવાર મળી નહીં. એટલે દિનેશભાઈને વડનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે એમને મૃત જાહેર કર્યા હતા.
દિનેશભાઈએ 70 ટકા જેવી કામગીરી પતાવી દીધી હતી
દિનેશભાઈએ 70 ટકા જેવી એસઆઈઆર કામગીરી પતાવી દીધી હતી. કામ પણ એમનું સારું હતું તેવું ગામના લોકોનું કહેવું હતું. પરિવારનું કહેવું એવું છે કે, દિનેશભાઈને સ્ટ્રેસ એ વાતનો હતો કે ટૂંકાગાળાની અંદર જે એમને એસઆઈઆરનું કામ આપેલું હતું એ ટાર્ગેટ એમને પૂરો કરવાનો હતો. તેમાંય એસઆઈઆરની કામગીરીમાં જે સર્વર હોય છે એ બરાબર કામ કરતું નહોતું. એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય એમાં માહિતી ભરવાની હોય, પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ન કરતું હોય કામગીરી પૂરી કરવાની હોય એટલે એ દબાણ થોડું રહેતું હોય તેઓ કામ રાત્રે કરતા હતા. આ દરમિયાન આ દુખદ બનાવ બન્યો.
ગુજરાતમાં દસ દિવસમાં પાંચ બીએલઓના મોત
સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) માટે બીએલઓની કામગીરી કરી રહેલા પાંચ કર્મચારીનાં સ દિવસમાં મોત થયાં છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી હતી. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતાં શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદયરોગના હુમલા બાદ મૃત્યું થયું હતું. ખેડા જિલ્લાના કપડવંજના શિક્ષક રમેશ પરમાર અને વડોદરાના શિક્ષિકા ઉષાબેન સોલંકીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું.