BREAKING NEWS

SIRની કામગીરીના વધુ પડતા દબાણના કારણે BLOએ ઝેર પી લીધું!

  • December 03, 2025 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સિંચાઈ વિભાગમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મોહિત નામના વ્યક્તિએ કથિત રીતે કામના અતિશય દબાણથી કંટાળીને ઝેરી પદાર્થ ખાઈ લીધો છે. મોહિતની બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) તરીકે એસઆઈઆરની કામગીરીમાં ડ્યૂટી સોંપવામાં આવી હતી. હાલમાં તેઓ ગંભીર હાલતમાં મેરઠની લોકપ્રિય હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.


પરિવારજનોના જણાવ્યા અનુસાર, ગઢ રોડ સ્થિત મુરલીપુરા ગામના રહેવાસી મોહિતને પલ્લવપુરમમાં બીએલઓ તરીકેની ડ્યૂટી આપવામાં આવી હતી. તેમનો આરોપ છે કે કામ પૂરું ન થવાને કારણે સુપરવાઇઝર આશિષ શર્મા દ્વારા તેમના પર સતત દબાણ બનાવવામાં આવતું હતું. ગઈકાલે પણ સુપરવાઇઝરે ઝડપથી કામ પૂરું કરવા દબાણ કરતાં મોહિતે નારાજ થઈને ઘરે જઈ ઝેર ખાધું હતું. મોહિતની પત્ની જ્યોતિએ જણાવ્યું હતું કે આ સતત દબાણને કારણે મોહિત ડિપ્રેશનમાં હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે બીએલઓની ડ્યૂટી સોંપવામાં આવી હોવા છતાં મોહિતને કોઈ તાલીમ આપવામાં આવી નહોતી. ઘટના બાદ વિભાગીય યુનિયનના કાર્યકર્તાઓએ હોસ્પિટલમાં જઈને હંગામો પણ કર્યો હતો.


આ ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. સત્ય પ્રકાશ સિંહે માહિતી આપી હતી કે સુપરવાઇઝર તરફથી સમીક્ષા વધુ કરવામાં આવી રહી હતી, જેના કારણે આ ઘટના બની હોઈ શકે છે. તેમણે કહ્યું કે તેઓ પોતે દર્દીને મળ્યા હતા અને તેમની હાલત સ્થિર હોવા છતાં તેઓ હાલમાં વાતચીત કરી શકે તેમ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application