બસ સેવાના પ્રારંભે ૧૦ બસ દોડતી,હાલ ૩૬ ઇલેક્ટ્રિક મીડી બસ સેવામાં કાર્યરત, દર મહિને ૬,૪૧,૯૧૭ મુસાફરો: રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં ૧૨ કરોડની ગ્રાન્ટ આપી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કંપની રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા સંચાલિત બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ) મુસાફરોની ટિકિટ આવકથી નહીં પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ આવકથી નફો કરતી થઇ હોવાનું મહાપાલિકાની જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુતરમાં સામે આવ્યું છે.
બીઆરટીએસ બસ સેવાના પ્રારંભે ૧૦ સ્ટાન્ડર્ડ ડીઝલ બસો દોડતી હતી, જ્યારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તબક્કાવાર વધારાયેલી ફ્રિકવન્સીના અંતે ૩૬ મીડી ઇલેક્ટ્રિક એસી બસો દોડી રહી છે. દર મહિને ૬,૪૧,૯૧૭ મુસાફરો બસ સેવાનો લાભ લઇ રહ્યા છે.
વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ટિકિટ આવક ૭.૮૩ કરોડ હતી અને રાજ્ય સરકારે ૩.૭૬ કરોડની ગ્રાન્ટ આપતા કુલ આવક ૧૧.૫૯ કરોડ થઇ હતી જેની સામે કુલ ખર્ચ ૯.૦૧ કરોડ થયો હતો.
વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ટિકિટ આવક ૭.૭૬ કરોડ થઇ હતી, જ્યારે રાજ્ય સરકારે ૩.૫૧ કરોડની ગ્રાન્ટ આપતા કુલ આવક ૧૧.૨૭ કરોડ થઇ હતી. જેની સામે કુલ ખર્ચ ૧૦.૨૭ કરોડ થયો હતો.
જ્યારે ગત વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત ટિકિટ આવક ૭.૭૨ કરોડ થઇ હતી અને રાજ્ય સરકારે ૪.૭૧ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. કુલ આવક ૧૨.૪૪ કરોડ થઇ હતી જેની સામે કુલ ખર્ચ ૧૩.૬૪ કરોડ થયો હતો.રાજ્ય સરકાર તરફથી મળનારી ડિસેમ્બરથી માર્ચની ગ્રાન્ટ હજુ સુધી મળવાની બાકી રહી હોય હાલની સ્થિતિએ ૧.૧૯ કરોડની ખોટ છે જે ગ્રાન્ટ આવતાની સાથે સરભર થઇ જશે.