સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર નજીક નોન-વેજ ખોરાકના વેચાણ અને સંગ્રહ પર રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ સામે સ્થાનિક રેસ્ટોરન્ટ માલિકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. સોમનાથ શહેરના છ નોન-વેજ રેસ્ટોરન્ટ માલિકોએ સરકારના જાહેરનામાને પડકારતાં આક્ષેપ કર્યો છે કે પ્રતિબંધને કારણે તેમના વેપાર અને રોજગારના અધિકારોનું હનન થઈ રહ્યું છે. આ મામલે હાઈકોર્ટે સરકાર પાસે કેટલીક બાબતો અંગે જવાબ પણ માગ્યો છે.
રાજ્ય સરકારે ઓગસ્ટ મહિનામાં જાહેરનામું બહાર પાડીને સોમનાથ શહેરના છ નિર્ધારિત વિસ્તારોમાં, ખાસ કરીને સોમનાથ મંદિરની 500 મીટરની ત્રિજ્યામાં તેમજ અન્ય ધાર્મિક સ્થળોની આસપાસ નોન-વેજ ખોરાકના વેચાણ પર કાયમી પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયને પડકારતાં અરજદારો તરફથી એડવોકેટ અસરાર મન્સૂરીએ દલીલ કરી હતી કે બંધારણના અનુચ્છેદ 19(1)(જી) હેઠળ નાગરિકોને વ્યવસાય અને રોજગાર કરવાનો મૂળભૂત અધિકાર મળેલો છે. સરકારના નિર્ણયથી તેમની આજીવિકા પર અસર થઈ રહી છે. અરજદારોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ દ્વારા તેમના રેસ્ટોરન્ટ્સ બળજબરીપૂર્વક બંધ કરાવીને હેરાન કરવામાં આવે છે.
બીજી તરફ, સરકારી વકીલ જી. એચ. વિર્કે સરકારનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે સંબંધિત દુકાનો અને રેસ્ટોરન્ટ્સ સોમનાથ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી છે. દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓનું રક્ષણ કરવા અને તેમને નોન-વેજ ખાદ્ય વસ્તુઓના સંપર્કમાં આવવાનું ટાળવા માટે પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અરજદારોના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરે કેસની પ્રથમ સુનાવણીના દિવસે મામલતદારે પોલીસ ચોકીમાં અરજદારો પાસે બળજબરીપૂર્વક કબૂલાતનામું લખાવ્યું હતું. તેમાં ભવિષ્યમાં માત્ર શાકાહારી ખોરાક જ વેચવાની સંમતિ દર્શાવતી સહીઓ લેવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. આ રજૂઆતને પગલે હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો હતો કે કેસની સુનાવણીના દિવસે જ આવી રીતે સહીઓ શા માટે લેવામાં આવી હતી.