BREAKING NEWS

દ્વારકામાં બેન્કને હલકી ગુણવત્તાનું સોનું ધાબડી ૯૭ લાખની છેતરપિંડી

  • December 08, 2025 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દ્વારકામાં આવેલી એક્સિસ બેન્કમાં કેટલાક શખ્સો દ્વારા સુનિયોજિત કાવતરું રચીને બેંકને નબળી ગુણવત્તાવાળું સોનું આપી અને તેના પર લોન મેળવી લેવા સબબ કુલ ૧૦ આસામીઓ સામે બેંકના મેનેજરે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. 


આ પ્રકરણ સંદર્ભે દ્વારકામાં ભદ્રકાલી ચોક પાસે આવેલી એક્સિસ બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મૂળ જામનગરના રહીશ એવા યોગેશકુમાર દિનેશચંદ્ર વાગડીયા (ઉ.વ. ૪૫) એ દ્વારકામાં રહેતા ભલા નાથા ખાંભલીયા, એસ.કે. મુસ્તફા, અજીમ હફીજ મુલ્લા, ભીમ બીજલી, રાજેશ ધોરીયા, કાદર રહીમ અલી, અકીબ અજીમ મુલ્લા, રજીયા અજીમ મુલ્લા, સોમા ભીખા નાગેશ (એક્સિસ બેન્કના વેલ્યુઅર)અને અક્ષય ગોરધનદાસ ધાણક સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.


આ ફરિયાદમાં જણાવાયા મુજબ વર્ષ ૨૦૨૦થી ૨૦૨૧ના સમયગાળા દરમિયાન સમયાંતરે આરોપીઓ દ્વારા આર્થિક લાભ લેવાના હેતુથી એક્સિસ બેન્કમાં ગોલ્ડ લોન લેવાનું સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં ઓછા કેરેટના અને નબળી ગુણવત્તાવાળા સોનાને બેંકમાં લોન લેતી વખતે રજુ કરી અને ત્યારબાદ એક્સિસ બેન્ક (દ્વારકા શાખા) દ્વારા જે-તે સમયે નિમવામાં આવેલા વેલ્યુઅર એવા આરોપી અક્ષય ગોરધનદાસ ધાણકએ ઓછા કેરેટનું ગોલ્ડ વધુ કેરેટનું અને સારી ગુણવત્તાનું હોવાનું જણાવી અને ખોટો વેલ્યુએશન રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રીતે લોનધારક આસામીઓ સાથે મિલીભગત કરીને તેઓએ ગોલ્ડનો ખોટો બોગસ વેલ્યુએશન રિપોર્ટ બેંક સમક્ષ ખરા તરીકે રજૂ કર્યો હતો.


આ પ્રકારે બેંકમાં જુદી જુદી રીતે ગોલ્ડ લોન પેટે કુલ રૂપિયા ૯૭,૧૭,૯૦૦ ની માતબર રકમ ઉપાડી લઈ, અને એક્સિસ બેન્ક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે તમામ ૧૦ શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૧૨૦ (બી), ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮ તથા ૪૭૧ મુજબ ગુનો નોંધ્યો છે. જે અંગે આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application