BREAKING NEWS

તમારા સબંધીનો અકસ્માત થયો છે, ફોટા મોકલું છું: ઈમેજ ખોલતા જ ખાલી થઇ જાય છે બેંક એકાઉન્ટ

  • January 31, 2026 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સાઇબર ઠગોએ લોકોમાં ભય અને તાત્કાલિકતા પેદા કરીને છેતરવા માટે નવી રીત અપનાવી છે. અકસ્માત એલર્ટ નામે ફરતા સંદેશાઓ દ્વારા તેઓ લોકોને જણાવે છે કે તેમના કોઈ નજીકના સંબંધીને ગંભીર અકસ્માત થયો છે. પોલીસ અને સાઇબર ક્રાઈમ અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઠગાઈ ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહી છે, જેમાં લોકો ઓટીપી કે બેંકિંગ વિગતો શેર કર્યા વગર પણ પૈસા ગુમાવી રહ્યા છે.


ખેડા જિલ્લામાં તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ખેડૂતને ફોન આવ્યો હતો, જેમાં કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે તેના એક સંબંધીનો અકસ્માત થયો છે. કોલ કરનારએ કહ્યું કે ઘાયલ વ્યક્તિના ફોટોગ્રાફ્સ વોટ્સએપ પર મોકલવામાં આવશે અને ત્યારબાદ ફોન અચાનક કપાઈ ગયો. થોડી જ વારમાં ખેડૂતને એક ઈમેજ ફાઈલ મળી. તેણે તે ખોલતાં સ્કેનર જેવી સ્ક્રીન દેખાઈ. શંકા જતા તેણે તરત જ ફાઈલ ડિલીટ કરી અને ફોન બંધ કરી દીધો.


પરંતુ થોડા કલાકો પછી જ્યારે તે એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયો ત્યારે તેને ખબર પડી કે તેના ખાતામાંથી લગભગ 50,000 રૂપિયા કપાઈ ગયા છે. બેંકમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે આ રકમ યુપીઆઈ આધારિત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે ગેરરીતે ટ્રાન્સફર કરવામાં આવી હતી.


પીડિતે બાદમાં સાઇબર ક્રાઈમ હેલ્પલાઈન અને સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી. સાઇબર સુરક્ષા નિષ્ણાતોએ જણાવ્યું કે આ ઠગાઈમાં રિમોટ એક્સેસ ટ્રોજન (આરએટી) નામનું મેલવેર વપરાયું હતું, જે સામાન્ય રીતે જેપીઈજી જેવી ઈમેજ ફાઈલમાં છુપાયેલું હોય છે. જેવી ફાઈલ ખોલવામાં આવે, તેમ મેલવેર ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. ત્યારબાદ ઠગો ફોન પર નજર રાખી શકે છે, બેંકિંગ એપ્લિકેશનો એક્સેસ કરી શકે છે અને યુઝર્સને ખબર પડે તે પહેલાં ટ્રાન્ઝેક્શન કરી શકે છે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.


આ પ્રકારની ઠગાઈમાં ઓટીપી, પીન કે લિંક્સ શેર કરવાની જરૂર પડતી નથી. મેલવેર ફોનની ઍક્સેસિબિલિટી પરમિશનનો ગેરઉપયોગ કરીને બેકગ્રાઉન્ડમાં ચાલતું રહે છે, જેના કારણે પૈસા ઉપાડાયા બાદ જ ઠગાઈનો ખ્યાલ આવે છે.


પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે મેસેજિંગ પ્લેટફોર્મ પર મળતી અજાણી ફાઈલો કે લિંક્સ ખોલવી નહીં, ખાસ કરીને એવી જે ભય અથવા ગભરાહટ પેદા કરે. અકસ્માત, હોસ્પિટલમાં દાખલ થવા કે પોલીસ ઇમર્જન્સી જેવા સંદેશાઓ લોકો પાસેથી તાત્કાલિક પ્રતિભાવ મેળવવા માટે જ મોકલવામાં આવે છે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News