રાજકોટની સોની બજારમાં ખરીદી કરવા જતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. જો તમે ખરીદી કરવા જતા હોય તો માત્ર ખુલ્લા ચહેરે જ પ્રવેશ મળશે. કારણ કે રાજકોટ શહેરની સોની બજારમાં રોજબરોજ લૂંટ અને મારામારી સહિતની ઘટનાઓએ સોન વેપારીઓના નાકમાં દમ કરી નાખ્યો છે. ત્યારે રાજકોટ સહિત વિવિધ શહેરોમાં સોનીઓની દુકાનમાં થતી ચોરી અને લૂંટફાટ સહિતની ઘટનાઓ દ્વારા ગુનેગારો માટે સોની બજાર મુખ્ય ટાર્ગેટ હોય તેમ લાગી રહ્યું છે. જેને લઈને સોનીઓની વેપારી પેઢીઓની સુરક્ષા અર્થે સતર્કતા દાખવવા માટે ગોલ્ડ ડીલર એસોસિએશન સાથે સંકળાયેલા દરેક સોનીઓની દુકાનમાં ગ્રાહકોને ખુલ્લા ચહેરે જ પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે ગોલ્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ ભાઈ સાહોલિયાએ જણાવ્યું છે કે ઘણા ખરા કિસ્સાઓમાં ગ્રાહકોના સ્વાંગમાં તસ્કર ટોળકી ખરીદી કરવા આવી જતી હોય છે. જેઓ પોતાની ઓળખ છુપાવવા માટે હેલ્મેટ, ટોપી, માસ્ક, હિજાબ કે પછી દુપટ્ટા પહેરીને દુકાનમાં સરળતાથી પ્રવેશ મેળવતી હોય છે. આ,મ ગ્રાહકોના રૂપમાં ખિસ્સા કાતરૂ ગેંગ સોનીની દુકાનમાં પ્રવેશ મેળવીને દુનિયાને અંજામ આપતી હોય છે. એવામાં તેમની ઓળખ કરવી એ પોલીસ અને વેપારીઓ બંને માટે પડકાર જનક બની જાય છે.
આમ, પોતાની ઓળખ છુપાવનારા ગ્રાહકોના ચહેરા જ્વેલર્સની દુકાનોના સીસીટીવીમાં કેદ થતા નથી. તેમની ઓળખ નહીં થતા પોલીસને તેમની શોધખોળ કરવામાં મુશ્કેલી થતી હોય છે. ત્યારે રાજકોટની સોની બજારમાં ચોરી અને લૂંટ સહિતના બનાવો અટકાવવા માટે બે દિવસ પૂર્વે મળેલી સોની વેપારીઓની મીટીંગમાં સુરક્ષા અર્થે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં નાના-મોટા ઝવેરીઓની દુકાનમાં તમને આ અંગેના નોટિસ બોર્ડ પણ સ્વૈચ્છિક રીતે લટકતા જોવા મળી શકે છે. જેથી હવે જો તમે સોના કે ચાંદીની ખરીદી માટે રાજકોટની સોની બજારમાં જતા હોય તો જ્વેલર્સમાં પ્રવેશ કરતા પહેલા તમારા ઓળખ છુપાવતા સાધનો બહાર મુકવાની તૈયારી રાખજો.