ભારતીયોને લાભઃ અમેરિકા ઇમિગ્રેશન નિયમો બદલશે, ગ્રીનકાર્ડ હવે આસાનીથી મળી શકશે
ભારતીયોને લાભઃ અમેરિકા ઇમિગ્રેશન નિયમો બદલશે, ગ્રીનકાર્ડ હવે આસાનીથી મળી શકશે
July 29, 2026 04:32 AM
યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા લાખો ભારતીયો અને વ્યાવસાયિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન વિઝા નિયમોમાં કરાયેલા કડક ફેરફારોને કારણે ભારતીય આઈટી નિષ્ણાતો અને અન્યોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. કોર્ટ તરફથી વહીવટીતંત્રને આંચકા મળ્યા હોવા છતાં કડક વલણ યથાવત રહ્યું હતું. જોકે, આ દરમિયાન કેલિફોર્નિયાના ડેમોક્રેટિક સેનેટર એલેક્સ પેડિલાએ યુએસ સંસદ (કોંગ્રેસ)માં એક ઐતિહાસિક બિલ રજૂ કર્યું છે. આ બિલ મંજૂર થતાં જ અમેરિકામાં લાંબા સમયથી વસવાટ કરતા આશરે ૮૦ લાખ લોકોને કાયમી નિવાસ એટલે કે 'ગ્રીન કાર્ડ' મેળવવાનો સરળ માર્ગ મોકળો થઈ શકે છે. સેનેટર એલેક્સ પેડિલાના જણાવ્યા અનુસાર, આ રજૂ કરાયેલું નવું બિલ વર્ષ ૧૯૨૯ના ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ ૨૪૯માં મહત્વપૂર્ણ સુધારો કરશે. નોંધનીય છે કે આ ચોક્કસ કાયદાકીય જોગવાઈઓમાં વર્ષ ૧૯૮૬ પછી એટલે કે છેલ્લા ચાર દાયકાથી કોઈ સુધારો કરવામાં આવ્યો ન હતો. આ સુધારા વિધેયક દ્વારા જૂના અને બિનવ્યવહારુ બની ગયેલા નિયમોને આધુનિક જરૂરિયાતો મુજબ અપડેટ કરવામાં આવશે, જે ભારતીય વ્યાવસાયિકો અને ખાસ કરીને એચ-વનબી વિઝા ધારકો માટે અત્યંત લાભદાયી સાબિત થશે.નવા પ્રસ્તાવિત સુધારા મુજબ, જે ઇમિગ્રન્ટ્સ ઓછામાં ઓછા સાત વર્ષથી સતત યુનાઇટેડ સ્ટેટ્સમાં નિવાસ કરી રહ્યા છે, તેઓ ગ્રીન કાર્ડ માટે અરજી કરવા પાત્ર બનશે. આ માટે અરજદાર સામે કોઈ પણ પ્રકારનો ગુનાહિત રેકોર્ડ ન હોવો જોઈએ અને તેઓએ ગ્રીન કાર્ડ માટેની અન્ય તમામ મૂળભૂત પાત્રતા શરતો પૂર્ણ કરવાની રહેશે. આ કાયદા હેઠળ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના સચિવને તમામ યોગ્ય અરજદારોને સીધા કાયમી નિવાસનો દરજ્જો આપવાની વિશેષ સત્તા અને અધિકારો પણ આપવામાં આવશે.આ પ્રસ્તાવિત બિલમાં વ્યાપક સમુદાયને સાંકળી લેવામાં આવ્યો છે. તેમાં નાની ઉંમરે કે બાળક તરીકે માતા-પિતા સાથે અમેરિકા આવેલા ઇમિગ્રન્ટ્સના બાળકો (ડ્રીમર્સ), ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ ધારકો, આવશ્યક સેવાઓ આપતા કર્મચારીઓ તેમજ લાંબા ગાળાના કામકાજ સંબંધિત વિઝા ધરાવતા લોકોને આવરી લેવામાં આવ્યા છે. આ કાયદો પસાર થવાથી વર્ષોથી અનિશ્ચિતતામાં જીવતા લાખો ભારતીય પરિવારોને અમેરિકામાં કાયમી સ્થાયી થવાની સુવર્ણ તક સાંપડશે.