રાજકોટ શહેરમાં સોના અને ચાંદીના મજુરી કામ અર્થે આવતા બંગાળી કારીગર સમયાંતરે વેપારીઓને વિશ્વાસમાં લીધા બાદ લાખો રૂપિયાનું સોનું અને ચાંદી લઈ નાસી છૂટયાના અનેક કિસ્સાઓ પોલીસ દફતરે નોંધાયા બાદ વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં ચાંદીનું કારખાનું ધરાવતા બે વેપારી પાસેથી 23. 53 લાખની કિમતની ચાંદી પોલીસિંગ માટે લઈ જઈ નાસી છૂટયાની બી ડિવિઝન પોલીસ મથકમાં વેપારીએ પશ્ચિમ બંગાળના કારીગર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના મવડી ગામ નજીક આલાપ રોયલ એ-૬૩માં રહેતા અને કુવાડવા રોડ ડી-માર્ટ સામે હિમાલીયા રેફ્રીઝરેશન પાસે આદીયોગી સિલ્વર નામે કારખાનું ધરાવતા દર્શી લભાઈ કિરીટભાઈ વોરા ઉં.વ.૩૦ વાળાએ બીડીવીઝન પોલીસ મથકમાં પશ્ચિમ બંગાળના કારીગર સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ રેજારુલ રૈયજુદ્દીન શેખ રહે. પશ્વિમ બંગાળ વાળો ગત ૨૦/૧૧ના વેપારીના કારખાનેથી ચાંદી પોલીસકામ માટે લઈ ગયો હતો, આ શખસ છેલ્લા છ મહિનાથી કારખાનેથી નિયમિત ચાંદી પોલીસકામ માટે લઈ જઈ સમયસર પરત કરી આપી જતો હતો, પરંતુ ગત ૨૦મીએ લઇ ગયેલ ૯.૭૦૦ કિલોગ્રામ ચાંદી શુદ્ધ ચાંદી ૭.૯૦૦ કિલોગ્રામ, જેની કિંમત૧૨.૫૩ લાખ જે રેજારુલ પોલીસકામ કરવા માટે લઈ ગયા બાદ પણ ત્રણ દિવસ વીતી ગયા બાદ પાછો આપવા નહી આવતા વેપારી દર્શિલભાઈ તેના ઘરે ગયા હતા ત્યાં તાળું જોવા મળ્યું હતું. આ અંગે દર્શીલભાઈએ વેપારી એસોસિએશનમાં જાણ કરી હતી.
તે દરમ્યાન જાણવા મળ્યું કે બંગાળી કારીગર ૨૦મીએ અન્ય એક વેપારી જેમીનભાઈ વિનોદભાઈ સોરઠીયાની પણ ૧૧ લાખની ચાંદી પોલીસકામ માટે લઇ ગયા બાદ કારીગર રેજારુલ દેખાયો નથી જેથી આ મામલે વેપારીની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.