વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સીઝનમાં ફરી એકવાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) નો દબદબો જોવા મળ્યો છે. વડોદરાના કોટામ્બી સ્ટેડિયમ ખાતે રમાયેલી હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં સ્મૃતિ મંધાનાની સેનાએ દિલ્હી કેપિટલ્સને ૬ વિકેટે હરાવીને બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી છે. ૨૦૨૪માં પ્રથમવાર ચેમ્પિયન બન્યા બાદ RCB એ આ બીજી સિદ્ધિ મેળવી છે, જ્યારે દિલ્હી માટે ફાઈનલનો ફ્લોપ શો ચાલુ રહ્યો છે - ટીમ સતત ચોથી વખત ફાઈનલમાં હારી છે.
ફાઈનલનો સૌથી મોટો રન ચેઝ
દિલ્હીએ આપેલા ૨૦૪ રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCB ની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ કેપ્ટન સ્મૃતિ મંધાના અને જ્યોર્જિયા વોલે બાજી પલટી નાખી હતી. સ્મૃતિ મંધાના (૮૭ રન) અને જ્યોર્જિયા વોલ (૭૯ રન) વચ્ચે ૯૨ બોલમાં ૧૬૫ રનની ઐતિહાસિક ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીએ દિલ્હીના બોલરોને લાચાર કરી દીધા હતા.
ઐતિહાસિક ચેઝ
WPL ના ઈતિહાસમાં ફાઈનલ મેચમાં આ અત્યાર સુધીનો સૌથી સફળ અને મોટો રન ચેઝ છે. RCB એ માત્ર ૪ વિકેટ ગુમાવીને ૨૦૪ રનનો ટાર્ગેટ ૨ બોલ બાકી રહેતા પ્રાપ્ત કરી લીધો હતો.
છેલ્લી ઓવરનો હાઈ-વોલ્ટેજ ડ્રામા
મેચની છેલ્લી ઓવર શ્વાસ અધ્ધર કરી દે તેવી હતી. જીતવા માટે ૬ બોલમાં ૧૦ રનની જરૂર હતી. રાધા યાદવ અને નદીન ડી ક્લર્ક ક્રિઝ પર હતા. પ્રથમ બે બોલ પર બે સિંગલ રન આવ્યા. ત્રીજા બોલ પર રાધા યાદવે શાનદાર ચોગ્ગો ફટકાર્યો. ચોથા બોલ પર રાધાએ કવર્સ તરફ શોટ રમવાનો પ્રયાસ કર્યો. તે દરમિયાન તેનું બેટ સ્ટમ્પ સાથે અથડાયું! બોલ બાઉન્ડ્રીની બહાર ગયો, પણ આશ્ચર્યજનક રીતે સ્ટમ્પ પરની ગિલ્લીઓ (Bails) પડી નહીં. નિયમ મુજબ બેટ્સમેન આઉટ ન ગણાયો અને RCB એ રોમાંચક રીતે જીત મેળવી લીધી.