રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શહેરથી દૂર હીરાસર ખાતે નિર્માણ થવાથી મુસાફરોને ફરજિયાત પણે ટેક્સી કે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો હતો. એવામાં રાજકોટ એરપોર્ટના હજારો પ્રવાસીઓને ખાનગી ટેક્સી ચાલકો દ્વારા ઊંચા ભાડા વસૂલવાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ રાજકોટ એરપોર્ટ પર મુસાફરી કરતા હવાઈ મુસાફરોને હવે ઊંચા ભાડા ચૂકવવાની સમસ્યા નહીં નડે. કારણકે તાજેતરમાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભારત ટેક્સી સાથે મહત્વપૂર્ણ સમજૂતી કરાર કર્યા છે. જેના થકી રાજકોટ, વડોદરા, સુરત અને ભુજ એરપોર્ટના મુસાફરો માટે ભારત ટેક્સીની સેવા શરૂ થવા જઈ રહી છે. રાજકોટ એરપોર્ટ પર આગામી માર્ચ-એપ્રિલ સુધીમાં આ સેવા શરૂ થશે. જેનો લાભ રાજકોટ એરપોર્ટ પર મુસાફરી કરતા અંદાજે 4,000 જેટલા મુસાફરોને થશે.
રાજકોટ એરપોર્ટ પરના હવાઈ મુસાફરોની ખાનગી ટેક્સી ચાલકો દ્વારા ભાડા વસૂલવામાં લૂંટ ચલાવાતી હોવાની સમસ્યા અંગે શહેરના વિવિધ વ્યાપારી સંગઠનો તેમજ સ્થાનિક સતાધીશો દ્વારા એરપોર્ટ ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ધ્યાનમાં લેવામાં આવી હતી. આ અંગે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે રાજકોટ એરપોર્ટ પર મુસાફરી કરતા મુસાફરોની સમસ્યાનો અંત થવા જઈ રહ્યો છે. કારણ કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભારત ટેક્સી સાથેના મહત્વ પૂર્ણ કરાર મુજબ હવે એરપોર્ટ પર જ સહકારી ધોરણે ચાલતી ટેક્સીની સેવા મુસાફરોને ઉપલબ્ધ થશે. જેથી મુસાફરોને લૂંટતા ખાનગી ટેક્સી ચાલકોમાંથી રાજકોટ એરપોર્ટના મુસાફરોને મુક્તિ મળી શકશે.
મહત્વનું છે કે તાજેતરમાં જ રાજકોટના હવાઈ મુસાફરો માટે રેપીડો કેબ સેવા શરૂ કરવામાં આવી છે. હવે ભારત ટેક્સીનો પ્રારંભ થતાં મુસાફરોને સરળ અને સસ્તી પરિવહન સેવાનો લાભ મળી રહેશે. ભારત ટેક્સી એ ડ્રાઇવરોની માલિકીની સહકારી સંસ્થા હોવાથી મુસાફરો માટે સૌથી મોટો ફાયદો એ રહેશે કે અહીં કોઈપણ પ્રકારનો વધારાનો ભાવ વધારો ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે નહીં. એટલે કે દિવસ ઉપરાંત રાત્રિના સમયે કે પછી વરસાદ જેવી ઋતુમાં પણ મીટર પર કિલોમીટર મુજબ વ્યાજબી ભાવ લેવામાં આવશે.રાજકોટ એરપોર્ટ પર માર્ચ-એપ્રિલથી ભારત ટેક્સીની સેવા થશે ઉપલબ્ધ
ભારત ટેક્સી શરૂ કરવામાં આવતા રાજકોટ એરપોર્ટ પરથી મુસાફરી કરતા હવાઈ મુસાફરોને હવે કોઈ પણ પ્રકારના છુપા ચાર્જ ચૂકવવા નહીં પડે. એરપોર્ટ પરિસરમાં જ ડેસ્ક અને એપ્લિકેશન સુવિધા મળવાથી મુસાફરોને બહાર જઈને ટેક્સી શોધવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. તેમજ એરપોર્ટ થી રાજકોટ કે આસપાસના વિસ્તારોમાં સરળતાથી પરિવહન શક્ય બનશે. ગમે તેટલી ભીડ હોય પરંતુ ભાડું સામાન્ય જ રહેશે. સહકારી માળખો હોવાથી ડ્રાઇવરોનું પ્રોપર વેરિફિકેશન અને ટ્રેકિંગ શક્ય બનશે. તેમજ રોકડ ઉપરાંત ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા હોવાથી મુસાફરોને વધારે નાણા જોડે રાખવાની જરૂર નહીં પડે.