BREAKING NEWS

જામનગર બાર એસો.ના પ્રમુખ તરીકે ભરતભાઇ સુવા ચુંટાયા

  • December 20, 2025 12:00 PM 



જામનગર બાર એસોસીએશનની ચુંટણી ગઇકાલે ઉત્સાહભેર અને શાંતીપુર્ણ રીતે સંપન્ન થઇ હતી, પ્રમુખ તરીકે સતત બારમી વખત ભરતભાઇ સુવા વિજેતા થયા હતા, અગાઉ ઉપપ્રમુખ, સેક્રેટરી, જો. સેક્રેટરી અને ૩ મહિલા કારોબારી સભ્યોને બિનહરીફ જાહેર કરાયા હતા. મોડી સાંજે રીઝલ્ટ જાહેર કરાયા બાદ ચુંટાયેલા પ્રમુખ અને હોદેદારોના સમર્થકો, વકીલમિત્રોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ફટાકડા ફોડી, ઢોલ-તાલના સંગાથે વિજયને વધાવવામાં આવ્યો હતો.


જામનગર બાર એસોસીએશનની ગઇકાલે શુક્રવારે ૨૦૨૬ના હોદેદારો માટેની ચુંટણીની પ્રક્રિયા યોજવામાં આવી હતી, સવારથી સાંજ સુધી મતદાન થયુ હતું, જેમાં ૧૨૩૨ મતદાતાઓ પૈકી કુલ ૯૮૫ મત પડયા હતા અને એ પછી મતની ગણતરી કરવામાં આવી હતી અને મોડી સાંજે ગણતરી સંપન્ન થયા બાદ વિજેતાઓને જાહેર કરવામાં આવ્યા હતા.


જામનગર બાર એસો.ના પ્રમુખ તરીકે ભરતભાઇ એસ. સુવા સતત બારમી વખત વિજેતા બનતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, ભરતભાઇ સુવાને ૫૯૮ જંગી મત મળ્યા હતા જયારે તેમના પ્રતિસ્પર્ધી ભરતસિંહ જાડેજાને ૩૭૬ મત મળ્યા હતા, ઉલ્લેખનીય છે કે વકીલ મંડળના ઉપપ્રમુખ તરીકે રૂચીર આર. રાવલ, સેક્રેટરી મનોજભાઇ ઝવેરી, જો. સેક્રેટરી દિપકકુમાર ગચ્છર તથા કારોબારીના ૩ મહિલા સભ્ય ગીતાબેન પારેગી, દિપાલીબેન મંગે અને માનશીબેન જાટીયા અગાઉ જ બિનહરીફ થયા હતા આથી બાકીના હોદા માટે ચુંટણી થઇ હતી.

​​​​​​​


લાયબ્રેરી સેક્રેટરી તરીકે જયદેવસિંહ જાડેજાને ૫૩૩ મત મળ્યા હતા અને વિજેતા થયા હતા, ખજાનચીમાં ચાંદનીબેન પોપટને ૬૩૧ મત સાથે ચુંટાયા હતા, મહિલા પ્રતિનિધીઓમાં ૩૮૫ મત સાથે રાધાબેન રાવલીયા જયારે કારોબારી સભ્યોમાં દિપકભાઇ ભાલારાને સૌથી વધુ ૭૦૯ મત મળ્યા હતા, આ ઉપરાંત મિતુલ હરવરા, રઘુવીરસિંહ કંચવા, પંકજભાઇ લહેરૂ, વનરાજભાઇ મકવાણા, જયેશભાઇ સુરડીયા, ખોડીયાભાઇ વાઘેલાને કારોબારી સભ્ય તરીકે વિજેતા જાહેર કરાયા હતા.


બાર એસો.ની ચુંટણીની સમગ્ર પ્રક્રિયામાં ચુંટણી કમિશ્નર તરીકે એડવોકેટ કિશોરભાઇ ચૌહાણ, આસી. ચુંટણી કમિશ્નર તરીકે ભરતભાઇ ગોસાઇ તથા મિહિરભાઇ નંદાએ સેવા આપી હતી. 


વકીલ મંડળની ચુંટણીમાં પ્રમુખ તરીકે ભરતભાઇ સુવા સતત બારમી વખત ચુંટાઇને મેદાન માર્યુ હતું આ ઉપરાંત અન્ય હોદેદારો ચુંટાઇ આવતા તેમના સમર્થકો અને વકીલ મિત્રોએ કોર્ટ પટાંગણ ખાતે ઉજવણી કરી હતી, ફટાકડા ફોડી, ઢોલ-તાલના સંગાથે વિજયને વધાવ્યો હતો, આતશબાજી કરી હતી અને ભારે ઉત્સાહ, ઉમંગ સાથે ચુંટાયેલા હોદેદારને ફુલહાર કરી, મોઢા મીઠા કરાવીને સાથી મિત્રો સહિતના તેમા જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application