BREAKING NEWS

ગોંડલ નજીક બોલરોમાં ૨૯ કિલો ગાંજા સાથે ભાયાવદરના બંધુને ઝડપી લેવાયા

  • January 31, 2026 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ રૂરલ એસઓજીની ટીમે ગોંડલ પાસેથી ૨૯ કિલો ગાંજાના જથ્થા સાથે ભાયાવદરના પટ્ટા બંધુને ઝડપી લઇ તેની પાસેથી રૂ.૧૪.૫૦ લાખનો ગાંજો અને બોલેરો સહિત મળી કુલ રૂ.૨૧.૭૯ લાખનો મુદામલ કબજે કર્યો હતો. ઓરિસ્સાથી ગાંજો ભરી આપનાર અને ગાંજો મંગાવનાર બે શખસો સહિત ત્રણ શખસોને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.


રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ કરતા શખસો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની આપાયેલી સુચનાના પગલે એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઈ કે.એમ.ચાવડા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં. દરમિયાન કોન્સ્ટેબલ નિર્મળસિંહ ચુડાસમાને રાજકોટ તરફથી ગાંજાનો મોટો જથ્થો ભરેલ બોલેરો ગોંડલ તરફ જવાની છે તેવી બાતમી મળતા એસઓજીની ટીમે ગોંડલના મુંગાવાવડી ગામથી દાળીયા ગામ તરફ જતા જાહેર રસ્તા ઉપરથી બોલેરોને અટકાવી અશરફ ઉર્ફે અપુ રાજુ પટા (ઉ.વ.૩૩) અને શાહનવાજ રાજુ પટ્ટા (ઉ.વ.૩૬)(રહે. બંન્ને ભાયાવદર) ને પકડી પાડી તેમની પાસેથી ગાંજાનો જથ્થો ૨૯ કિલ્લો રૂ.૧૪.૫૦ લાખ અને રોકડા રૂ. ૧૩,૭૬૦, મોબાઇલ ફોન નંગ-૨ અને બોલેરો પીકઅપ મળી કુલ રૂ.૨૧,૭૩,૯૧૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલ શાહનવાઝ રાજકોટથી ટ્રકમાં ટાઇલ્સ ભરી ઓરિસ્સા સપ્લાય કરવાં માટે ગયો હતો. ત્યાંથી શુશાંતકુમાર લેનકા (રહે.સંબલપુર (ઓરીસ્સા) નામના શખસે ટ્રકમાં ગાંજાનો જથ્થો ભરી આપ્યો હતો. જે ગાંજો ભરેલ ટ્રક લઈ શાહનવાઝ કુવાડવા પહોંચ્યો હતો. જ્યાં પહેલેથી જ તેનો ભાઈ અશરફ બોલેરો લઈ ઉભો હતો. બાદમાં બંને ભાઈઓ બોલેરોમાં બેસી ભાયાવદર તરફ જવા નીકળ્યાં હતાં. આ ગાંજાનો જથ્થો ઉપલેટાના અસ્ફાક મનસુર ખોખરે મંગાવ્યો હતો. અસ્કાફ પહેલેથી જ ઓરિસ્સાના શુશાંતકુમારના સંપર્કમાં હતો અને તેના કહેવાથી જ ગાંજો ભરી આપ્યો હતો. ગાંજાનો જથ્થો અસ્કાફ અને ભાયાવદરનો સમીર દિલાવર પટા સાથે મળી વેંચાણ કરવાના હોવાની પકડાયેલ શખસોએ કબૂલાત આપી હતી. એસઓજીની બંને શખસોની શોધખોળ હાથ ધરી છે.


આ કામગીરીમાં એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઈ કે.એમ.ચાવડા, પી.બી.મિશ્રા, એએસઆઇ પરબતભાઇ શામળા, ફિરોઝભાઇ બ્લોચ, રૂપકભાઇ હસ્તબહાદુર, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, મથુરભાઇ વિરડા, નૈમીષભાઇ મહેતા, વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળીયા, કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી, વિપુલભાઇ ગોહિલ, કલ્પેશભાઈ કોઠીવાર, ચીરાગભાઈ કોઠીવાર, નિર્મળસિંહ ચુડાસમા, રઘુભાઇ ત્રકટા સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application