BREAKING NEWS

ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરાવનારાઓ માટે મોટા રાહતના સમાચાર, કેન્સલ ટિકિટના ભાડા અને ટેક્સ પર મળશે GST રિફંડ

  • October 26, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરાવનારા મુસાફરો માટે એક ખુબ જ મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. GST અપીલેટ ટ્રિબ્યુનલે એક મહત્વનો ચુકાદો આપતાં જણાવ્યું છે કે જો જરૂરી શરતો પૂરી કરવામાં આવે તો કેન્સલ કરવામાં આવેલી એરલાઇન ટિકિટો પર ચૂકવવામાં આવેલો GST ટેક્સ પાછો મેળવી શકાશે.

જીએસટી અપીલેટ ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું છે કે રદ કરાયેલી વિમાન ટિકિટ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) રિફંડનો દાવો કરી શકાય છે, પરંતુ તેના માટે શરત એ છે કે એરલાઇને મુસાફરોને મૂળ ભાડું અને GST બંનેની રકમ પરત કરી દીધી હોવી જોઈએ અને આ બાબત પુરવાર કરવા માટે એરલાઇન પાસે યોગ્ય દસ્તાવેજો હોવા જરૂરી છે.


શું હતો સમગ્ર મામલો?

સિંગાપોર એરલાઇન્સ લિમિટેડ વિરુદ્ધ કોચી CGST અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનરના કેસમાં નિર્ણય સંભળાવતાં જીએસટી અપીલીય ન્યાયાધિકરણની કોચી (એર્નાકુલમ) બેંચે આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. આ કેસ ઓક્ટોબર 2019 થી માર્ચ 2021 દરમિયાન સિંગાપોર એરલાઇન્સ દ્વારા કરવામાં આવેલા કુલ 45,92,528 રૂપિયાના 8 GST રિફંડ દાવાઓ સાથે સંબંધિત હતો. તે સમયે કોવિડ-19 મહામારીના કારણે એરલાઇને ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી અને તેણે મુસાફરોને ભાડું તથા GST ની રકમ પરત કરી દીધી હતી. અગાઉ GST જોઈન્ટ કમિશનરે આ રિફંડ દાવાઓને ફગાવી દીધા હતા, જેના વિરોધમાં એરલાઇને ટ્રિબ્યુનલનો દરવાજો ખટખટાવ્યો હતો.

ટ્રિબ્યુનલે આપ્યો આ આદેશ
ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં જોઈન્ટ કમિશનર (અપીલ)ના અગાઉના આદેશને રદ કરતા મહેસૂલ વિભાગને બે અઠવાડિયાની અંદર વ્યાજ સાથે એરલાઇનના રિફંડ દાવાની પતાવટ કરવાનો આદેશ આપ્યો છે. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે કોવિડ-19 ના કારણે રદ થયેલી ફ્લાઇટ્સ માટે મુસાફરો પાસેથી મેળવેલો અને ટેક્સ વિભાગમાં જમા કરાવેલો GST પરત મેળવવા માટે એરલાઇન સંપૂર્ણપણે હકદાર છે, કારણ કે તેણે આ રકમ મુસાફરોને પરત ચૂકવી દીધી છે.



નિષ્ણાતોના મતે ટ્રિબ્યુનલનો આ નિર્ણય એરલાઇન ઉદ્યોગ અને ગ્રાહકો બંને માટે એક અત્યંત સકારાત્મક પગલું છે. જ્યારે કોઈ વ્યવહાર (ટ્રાન્ઝેક્શન) રદ થાય છે અને એકત્રિત કરાયેલો ટેક્સ ગ્રાહકોને પરત કરી દેવાય છે, ત્યારે ત્યાં GST લાગુ થવો જોઈએ નહીં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application