અમેરિકામાં વિઝા નિયમોમાં આવેલી સખ્તી અને ભારે ફીના કારણે વૈશ્વિક સ્તરે આઈટી ક્ષેત્રે મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. વિશ્વની અગ્રણી અને દિગ્ગજ ટેક કંપનીઓ જેવી કે મેટા, અમેઝોન, એપલ, માઇક્રોસોફ્ટ, નેટફ્લિક્સ અને ગૂગલ હવે ભારત તરફ પોતાનો ઝુકાવ વધારી રહી છે. ગત વર્ષે બિગ ટેક કંપનીઓમાં હાયરિંગમાં છ ટકાનો વધારો થયો હતો. આ વર્ષે ભારતમાં બિગ ટેક કંપનીઓમાં નવી નિયુક્તિઓ (હાયરિંગ) ૧૬ થી ૨૦ ટકા સુધી વધવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. સ્ટાફિંગ ફર્મ 'ટીમલીઝ'ના અહેવાલ મુજબ, અમેરિકી સરકારના 'હાયર એક્ટ'ના લીધે ઊભી થયેલી પરિસ્થિતિઓને કારણે હવે મોટી વૈશ્વિક કંપનીઓ પોતાના મહત્વના કામકાજ અને પ્રોજેક્ટ્સ ભારત તરફ શિફ્ટ કરી રહી છે.
આ ગ્લોબલ ટેક કંપનીઓ ભારતમાં ખાસ કરીને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રોમાં મોટા પાયે ભરતી કરી રહી છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), ક્લાઉડ કમ્પ્યુટિંગ અને પ્લેટફોર્મ એન્જિનિયરિંગ જેવા એડવાન્સ ક્ષેત્રો મુખ્ય છે. વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં આ કંપનીઓએ ભારતમાં ૧૩,૬૦૦ નવા કર્મચારીઓની હાયરિંગ કરી લીધી છે. જો આ આંકડાની સરખામણી ગયા વર્ષના સમાન સમયગાળા સાથે કરવામાં આવે, તો ગત વર્ષે આ સમય સુધીમાં ૧૨,૮૦૦ લોકોની ભરતી થઈ હતી, જેની સરખામણીએ આ વર્ષે છ ટકાનો સીધો વધારો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક બિગ ટેક કંપનીઓએ સમગ્ર વર્ષ ૨૦૨૫ દરમિયાન ભારતમાં કુલ ૩૨,૦૦૦ નવા કર્મચારીઓને પોતાની સાથે જોડ્યા હતા. ચાલુ વર્ષે ટેકનિકલ રોલ્સમાં અણધારી તેજી જોવા મળી રહી છે. ડેટા અનુસાર, એઆઈ, મશીન લર્નિંગ, ક્લાઉડ, ડેટા એન્જિનિયરિંગ અને સાયબર સિક્યોરિટી જેવા સ્પેશિયલાઇઝ્ડ રોલ્સમાં ૨૫ થી ૩૦ ટકાની ઝડપથી માંગ વધી રહી છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા જાયન્ટ મેટા કંપનીએ ભારતમાં ૧,૬૦૦ નવી હાયરિંગ કરી છે, જોકે આ સાથે કંપનીએ દેશમાં છટણીનો દોર પણ ચાલુ રાખ્યો છે. બીજી તરફ, ઓરેકલ કંપનીએ આ વર્ષે ભારતમાં અંદાજે ૧૨,૦૦૦ જેટલા જોબ કટ (નોકરીમાંથી કપાત) કર્યા હોવાના અહેવાલ છે.
આટલી મોટી સંખ્યામાં હાયરિંગ થઈ રહી હોવા છતાં, ટેક કંપનીઓ અત્યારે ભરતી પ્રક્રિયાને લઈને ખૂબ જ સતર્ક અને સાવચેતીભર્યું વલણ અપનાવી રહી છે. કંપનીઓ પોતાના કાર્યબળ (વર્કફોર્સ) ની બદલાતી સંરચના, એઆઈ સાથે જોડાયેલી વિશેષ કુશળતા (સ્કિલ્સ)ની વધતી માંગ અને સમગ્ર આઈટી ઉદ્યોગમાં થઈ રહેલી વૈશ્વિક છટણીની અસરોનું બારીકાઈથી આકલન કરી રહી છે. આમ છતાં, આર્થિક નિષ્ણાતો અને ટીમલીઝના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં ભારતમાં બિગ ટેક કંપનીઓની કુલ હાયરિંગમાં ૧૬ થી ૨૦ ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી શકે છે, જે ભારતીય આઈટી વ્યાવસાયિકો માટે ખૂબ જ પ્રોત્સાહક બાબત છે.