આજના સમયમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર વેચાતા હોમ એપ્લાયન્સિસ જેવા કે ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન અને સ્માર્ટફોન સહિતના કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ સામાન્ય રીતે ઓફલાઈન દુકાનો કરતાં 20 ટકાથી 30 ટકા સુધી સસ્તા જોવા મળે છે. આ જંગી ડિસ્કાઉન્ટ જોઈને મોટાભાગના ગ્રાહકો ઈ-કોમર્સ સાઈટ્સ પરથી જ ખરીદી કરવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે પણ ઓનલાઈન ટીવી કે ફ્રિજ ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડી રાહ જોવાની જરૂર છે. એક જ બ્રાન્ડના એક જ જેવા દેખાતા પ્રોડક્ટમાં ઓનલાઈન અને ઓફલાઈન મોડેલ વચ્ચે ફિચર્સ અને ક્વોલિટીમાં મોટો તફાવત હોઈ શકે છે.
ઘરેલુ ઉપકરણો બનાવતી કંપનીઓ હવે ઓનલાઈન અને ઓફલાઈન બંને બજારો માટે એક જ બ્રાન્ડના ઉત્પાદનોમાં અલગ-અલગ ફિચર્સ આપી રહી છે. જોકે ઘણીવાર બે મોડેલ બહારથી એકસરખા જ દેખાય છે, પરંતુ તેમની ક્ષમતા, વોરંટી, મટીરિયલ ક્વોલિટી, એનર્જી રેટિંગ કે વધારાની સુવિધાઓમાં નોંધપાત્ર ફેરફાર હોય છે. કંપનીઓનો આ રણનીતિ પાછળનો મુખ્ય હેતુ ઈ-કોમર્સની ભારે છૂટછાટોના કારણે ઓફલાઈન દુકાનદારો પર પડતા વેપારી દબાણને ઘટાડવાનો છે.
ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર કિંમત ઓછી રાખવા અને ભારે ડિસ્કાઉન્ટ બતાવવા માટે કંપનીઓ પ્રોડક્ટની સ્પેસિફિકેશનમાં થોડા ફેરફાર કરે છે. બીજી તરફ, ઓફલાઈન એટલે કે શોરૂમ કે દુકાનોમાં કંપનીઓ પ્રીમિયમ ક્વોલિટીનો સામાન વેચે છે. દુકાનમાંથી ખરીદી કરવા પર ગ્રાહકોને અવારનવાર એક થી બે વર્ષની વધારાની એક્સટેન્ડેડ વોરંટી, સારા ફિચર્સ અને વધુ કેપેસિટી ધરાવતા મોડેલ્સ જોવા મળે છે. દેશમાં ઇલેક્ટ્રોનિક્સના કુલ વેચાણમાં ઈ-કોમર્સનો હિસ્સો માઇક્રોવેવમાં 45 ટકા, ટીવીમાં 40 ટકા, વોશિંગ મશીનમાં 22 ટકા, એસીમાં 18 ટકા અને ફ્રિજમાં 15 ટકા જેટલો નોંધાયો છે.
ઉદાહરણ તરીકે સમજીએ તો, હાયર ઇન્ડિયાના ઓનલાઈન મોડેલમાં વોટર ડિસ્પેન્સરની સુવિધા હોય છે, જ્યારે ઓફલાઈન મોડેલમાં ગ્લાસ ડોર મિરર ફિનિશ જેવી પ્રીમિયમ સુવિધાઓ મળે છે. એલજી ટીવીની વાત કરીએ તો ઓનલાઈન મોડેલ પર એક વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી મળે છે, જ્યારે દુકાનમાંથી ખરીદવા પર ત્રણ વર્ષની વોરંટી આપવામાં આવે છે. તેવી જ રીતે ગોદરેજ વોશિંગ મશીનમાં ઓનલાઈન સાત કિલો કેપેસિટી હોય છે તો ઓફલાઈન આઠ કિલો અને હાઈસેન્સ વોશિંગ મશીનમાં ઓનલાઈન મોડેલમાં પ્લાસ્ટિક લિડ મળે છે જ્યારે ઓફલાઈન મોડેલમાં ટફન્ડ ગ્લાસ લિડ આપવામાં આવે છે.
આથી, કોઈપણ ઇલેક્ટ્રોનિક આઇટમ ખરીદતા પહેલા ગ્રાહકોએ માત્ર કિંમતની જ સરખામણી ન કરવી જોઈએ. ઓનલાઈન ખરીદી કરતી વખતે વોરંટી, પ્રોડક્ટની ક્ષમતા, એનર્જી રેટિંગ, વપરાયેલું મટીરિયલ અને સ્પેસિફિકેશન યોગ્ય રીતે ચકાસવા જરૂરી છે. સવાલ માત્ર એ ન હોવો જોઈએ કે પ્રોડક્ટ ઓનલાઈન કેટલું સસ્તું છે, પરંતુ એ પણ જોવું જરૂરી છે કે એ જ કિંમતમાં તમને કયા-કયા ફિચર્સ કાપીને આપવામાં આવી રહ્યા છે.