નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ એરલાઇન ટિકિટ રિફંડ અને કેન્સલેશનના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કર્યો છે. હવે મુસાફરો ટિકિટ બુક કરાવ્યાના 48 કલાકની અંદર કોઈપણ વધારાના શુલ્ક (Cancellation Charge) વિના ટિકિટ કેન્સલ કરી શકશે અથવા તેમાં નામ જેવી વિગતો સુધારી શકશે. આ નવા નિયમો 26 માર્ચ 2026 થી અમલમાં આવશે.
શું છે 48 કલાકનો 'લુક-ઈન પીરિયડ'?
નવા નિયમો મુજબ મુસાફરોને ટિકિટ બુક કર્યા પછી 48 કલાકનો 'લુક-ઈન પીરિયડ' મળશે. આ સમયગાળા દરમિયાન જો તમે ટિકિટ કેન્સલ કરો છો અથવા ફ્લાઈટ બદલો છો, તો એરલાઇન તમારી પાસેથી કોઈ પેનલ્ટી વસૂલી શકશે નહીં. જો તમે નવી ફ્લાઈટ બુક કરો છો અને તેનું ભાડું વધારે હોય, તો તમારે માત્ર ભાડાનો તફાવત (Fare Difference) ચૂકવવો પડશે. આ સુવિધાનો લાભ લેવા માટે, ડોમેસ્ટિક ફ્લાઈટની મુસાફરી ઓછામાં ઓછા 7 દિવસ પછીની અને ઇન્ટરનેશનલ ફ્લાઈટની મુસાફરી 15 દિવસ પછીની હોવી જોઈએ. ટિકિટ સીધી એરલાઇનની વેબસાઇટ પરથી બુક કરાવેલી હોવી અનિવાર્ય છે.
નામમાં સુધારો હવે મફત
જો ટિકિટ બુક કરતી વખતે મુસાફરના નામમાં સ્પેલિંગની ભૂલ થઈ હોય, તો 24 કલાકની અંદર તેની જાણ કરવા પર એરલાઇન કોઈ પણ ચાર્જ લીધા વિના સુધારો કરી આપશે. આ સુવિધા તે મુસાફરો માટે વરદાન સાબિત થશે જેઓ એજન્ટો અથવા પોર્ટલ દ્વારા બુકિંગ કરાવતા હતા અને સુધારા માટે હજારો રૂપિયા ખર્ચતા હતા.
રિફંડ માટેની સમયમર્યાદા નક્કી
DGCA એ રિફંડ પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવી છે:
ક્રેડિટ કાર્ડ: જો પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી થયું હોય, તો એરલાઇને 7 દિવસની અંદર રિફંડ આપવું પડશે.
રોકડ (Cash): જો ટિકિટ એરલાઇન ઓફિસ પર રોકડેથી ખરીદી હોય, તો રિફંડ તરત જ આપવાનું રહેશે.
જો ટિકિટ એજન્ટ દ્વારા બુક કરાવી હોય, તો પણ રિફંડની જવાબદારી એરલાઇનની રહેશે, કારણ કે એજન્ટ તેમનો પ્રતિનિધિ છે.
ટેક્સનું રિફંડ મેળવવો તમારો અધિકાર
ઘણીવાર એરલાઇન્સ એવું કહેતી હોય છે કે ટિકિટ 'નોન-રિફંડબલ' છે. પરંતુ DGCA ના નવા નિયમ મુજબ, જો બેઝ ફેર રિફંડબલ ન હોય તો પણ, એરલાઇને તમામ સરકારી ટેક્સ અને પેસેન્જર ફી મુસાફરને પરત કરવી જ પડશે. ઉપરાંત, કેન્સલેશન ચાર્જ ક્યારેય પણ બેઝ ફેર અને ફ્યુઅલ સરચાર્જની કુલ રકમથી વધુ હોઈ શકે નહીં.
મેડિકલ ઇમરજન્સીમાં વિશેષ રાહત
જો મુસાફર અથવા તેના પરિવારના સભ્યની તબિયત અચાનક બગડે અને ટિકિટ કેન્સલ કરવી પડે, તો એરલાઇન રિફંડ અથવા 'ક્રેડિટ શેલ' (જેનો ઉપયોગ ભવિષ્યમાં ટિકિટ બુક કરવા માટે થઈ શકે) નો વિકલ્પ આપશે. આ માટે ડોક્ટરનું ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી રહેશે.