BREAKING NEWS

ફિફા વર્લ્ડ કપમાં 96 વર્ષ બાદ સૌથી મોટો બદલાવ: ચેમ્પિયન ટીમને ટ્રોફી સાથે મળશે ખાસ 'ગોલ્ડન રિંગ'; જાણો ફેન્સ કેવી રીતે ખરીદી શકશે

  • July 17, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિફા (FIFA) વર્લ્ડ કપના ૯૬ વર્ષના ભવ્ય ઈતિહાસમાં આ વર્ષે એક અત્યંત ઐતિહાસિક અને અનોખો બદલાવ થવા જઈ રહ્યો છે. વર્ષ ૧૯૩૦માં શરૂ થયેલા આ મહાકુંભમાં અત્યાર સુધી વિજેતા ટીમને માત્ર ચમકતી ટ્રોફી અને મેડલ આપવામાં આવતા હતા, પરંતુ આ વખતે ચેમ્પિયન ટીમને ટ્રોફીની સાથે એક ખાસ સરપ્રાઈઝ પણ મળશે.


ફિફા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે વર્લ્ડ કપ ૨૦૨૬ના ચેમ્પિયનને આ વખતે ખાસ ‘FIFA વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ રિંગ્સ’ (નંગવાળી વીંટી) આપવામાં આવશે, જે જીતનું એક નવું અને અદભુત પ્રતીક બનશે. આ રિંગ્સ સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે રમાનારા ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ના ફાઈનલ મુકાબલા બાદ એનાયત કરવામાં આવશે. આ ઐતિહાસિક અને રોમાંચક બદલાવ અંગેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.


આગામી રવિવારે રાત્રે ઈસ્ટ રધરફોર્ડના ન્યૂયોર્ક ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે ફૂટબોલ જગતનો સૌથી મોટો મુકાબલો રમાશે. આ હાઈવોલ્ટેજ ફાઈનલ મેચમાં લિયોનેલ મેસીની કેપ્ટનશીપ હેઠળની આર્જેન્ટિનાની ટીમ સતત બીજી અને કુલ ચોથી વાર (૧૯૭૮, ૧૯૮૬ અને ૨૦૨૨ બાદ) વિશ્વ વિજેતા બનવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. બીજી તરફ, સ્પેનની ટીમ પોતાનો ૧૬ વર્ષનો લાંબો દુકાળ ખતમ કરીને ફરીથી ટ્રોફી પોતાના નામે કરવા માટે એડીચોટીનું જોર લગાવશે.


કેવી હશે આ ખાસ ચેમ્પિયનશિપ રિંગ?
વિજેતા ખેલાડીઓ માટે તૈયાર કરવામાં આવેલી આ ખાસ ચેમ્પિયનશિપ રિંગની એક તરફ વિશ્વપ્રસિદ્ધ ફિફા વર્લ્ડ કપ ટ્રોફીની પ્રતિકૃતિ કંડારવામાં આવી હશે, જ્યારે વીંટીની બીજી તરફ વિજેતા દેશની ભવ્ય ઓળખ દર્શાવતી એક અનોખી અને ખાસ ડિઝાઈન બનાવવામાં આવશે.

ફિફાના જણાવ્યા અનુસાર, ફાઈનલ મેચ પૂરી થયા બાદ તરત જ મેદાન પર ઉજવણી (સેલિબ્રેશન) દરમિયાન વિજેતા ટીમના કેપ્ટન અને હેડ કોચને એક પ્રતીકાત્મક (ટેમ્પરરી) ચેમ્પિયનશિપ રિંગ પહેરાવવામાં આવશે. ત્યારબાદ, વિજેતા ટીમના તમામ ૩૦ સભ્યો (ખેલાડીઓ અને સ્ટાફ) ના આંગળીના માપ અને તેમની વ્યક્તિગત પસંદગીના આધારે ખાસ કસ્ટમાઈઝ્ડ રિંગ્સ તૈયાર કરીને તેમને સત્તાવાર રીતે સોંપવામાં આવશે, જેથી આ રિંગ તેમના માટે જીવનભરની એક યાદગાર નિશાની બની રહે.


ફૂટબોલ ફેન્સ પણ ખરીદી શકશે આ ઐતિહાસિક રિંગ
આ અનોખી ક્ષણને યાદગાર બનાવવા માટે ફિફાએ માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ દુનિયાભરના ફૂટબોલ ચાહકો માટે પણ એક મોટી ભેટ આપી છે. ફિફા દ્વારા કુલ ૨,૦૨૬ રિંગ્સનું એક લિમિટેડ-એડિશન કલેક્શન (Limited-Edition Collection) લોન્ચ કરવામાં આવ્યું છે.

આ કલેક્શનમાંથી ૩૦ વીંટી વર્લ્ડ કપ જીતનારી ટીમ માટે સુરક્ષિત રાખવામાં આવી છે, જ્યારે બાકીની ૧,૯૯૬ રિંગ્સ વિશ્વભરના ફૂટબોલ ફેન્સ માટે ઓનલાઈન અથવા સત્તાવાર સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણયથી ફૂટબોલ પ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


ફિફાની વિજેતા અને રનર-અપ ટીમ
1930: ઉરુગ્વે, આર્જેન્ટિના

1934: ઇટાલી, ચેકોસ્લોવાકિયા

1938: ઇટાલી, હંગેરી

1950: ઉરુગ્વે, બ્રાઝિલ

1954: વેસ્ટ જર્મની, હંગેરી

1958: બ્રાઝિલ, સ્વીડન

1962: બ્રાઝિલ, ચેકોસ્લોવાકિયા

1966: ઇંગ્લેન્ડ, વેસ્ટ જર્મની

1970: બ્રાઝિલ, ઇટાલી

1974: વેસ્ટ જર્મની, નેધરલેન્ડ્સ

1978: આર્જેન્ટિના, નેધરલેન્ડ્સ

1982: ઇટાલી, વેસ્ટ જર્મની

1986: આર્જેન્ટિના, વેસ્ટ જર્મની

1990: વેસ્ટ જર્મની, આર્જેન્ટિના

1994: બ્રાઝિલ, ઇટાલી

1998: ફ્રાન્સ, બ્રાઝિલ

2002: બ્રાઝિલ, જર્મની

2006: ઇટાલી, ફ્રાન્સ

2010: સ્પેન, નેધરલેન્ડ્સ

2014: જર્મની, આર્જેન્ટિના

2018: ફ્રાન્સ, ક્રોએશિયા

2022: આર્જેન્ટિના, ફ્રાન્સ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application