રાજકોટ શહેરની ભાગોળે આવેલ કુવાડવા ચોકડી ખાતેથી એસઓજીની ટીમે રૂ. 4.95 લાખનો 9.900 કિલોગ્રામ ગાંજા સાથે બિહારી શખસને ઝડપી લીધો હતો. આ શખસ અહીં ચોથીવાર ગાંજાનો જથ્થો વતનથી લાવી અહીં સ્થાનિક રિસીવરને ડિલિવરી આપે તે પૂર્વે પોલીસે તેને દબોચી લીધો હતો. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ બી.બી.બસીયા દ્વારા શહેરી વિસ્તારમાં યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા તથા નારકોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિકસપદાર્થનું ખરીદ - વેચાણ કે સેવન કરતાં શખસો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને એસઓજી પીઆઈ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.વી. ધ્રાંગુની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એએસઆઇ ફિરોજભાઈ રાઠોડ અને ઇન્દ્રસિંહ જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી કે, ઉપેન્દ્ર પાસવાન નામનો શખસ અમદાવાદ હાઈવે પર કુવાડવા ચોકડી નજીક ગાંજાના જથ્થા સાથે આવનાર છે. જેથી એસઓજીની ટીમે કુવાડવા ચોકડી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન ઉપેન્દ્ર પાસવાન નામનો શખસ કુવાડવા ચોકડી ખાતે પહોંચતા તેને અટકાવી અંગજડતી લેતા તેની પાસેથી રૂ. 4.95 લાખની કિંમતનો 9.900 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેથી એસઓજીની ટીમે ગાંજો, મોબાઈલ, રોકડ મળી કુલ રૂ. 5,00, 520 નો મુદ્દામાલ કબજે કરી ઉપેન્દ્ર બહાદુરરામ પાસવાન (ઉવ 35 રહે. ભોજપુર, બિહાર)ની ધરપકડ કરી હતી. માદક પદાર્થના જથ્થા સાથે ઝડપાયેલા આ શખસની પુછતાછ કરતા તે ચોથી વાર ગાંજાની ખેપ મારીને અહીં રાજકોટ ખાતે મહંમદ નામના શખસને આપવા આવ્યો હતો. જેથી પોલીસે હવે રીસીવર મહંમદની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરીમાં એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા,હેડ કોન્સ. હાર્દિકસિંહ પરમાર, દિગ્વિજયસિંહ ગોહિલ, કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા, મહિલા કોન્સ. મોનાબેન બુસા અને નિર્મળસિંહ સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application