ગોંડલ પંથકમાં ગત રાત્રિનાં બિહારી યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. હત્યારાએ બહેરમીપૂર્વક છરીનાં આડેધડ ઘા મારી ક્રુરતાપૂર્વક હત્યા નિપજાવી હતી. યુવાનના પેટના આંતરડા પણ બહાર નીકળી ગયા હતા. બનાવના પગલે એલસીબી, તાલુકા પોલીસ તથા કોટડાસાંગાણી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી યુવાનના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.
સીમ વિસ્તારમાં હત્યા કરાયેલ હાલતમાં યુવાનની લાશ મળી
પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીના સાડા દસના સુમારે એલસીબી પોલીસ સ્ટેશનની પાછળ રિબડા સડક પીપળીયા સીમ વિસ્તારમાં હત્યા કરાયેલ હાલતમાં યુવાનની લાશ પડી હોવાની જાણ ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટને થતા ટ્રસ્ટના દિનેશભાઈ માધડ, જયભાઈ માધડ સહિતની ટીમ એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
પારડી ફેકટરીમાં કામ કરતો
દરમિયાન પોલીસને જાણ થતા એલસીબી પીઆઇ ઓડેદરા, તાલુકા પીઆઇ ડોડીયા, કોટડાસાંગાણી પીઆઇ રાઠોડ સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ધસી જઇ મૃતક યુવાનની ઓળખ માટે તજવીજ હાથ ધરતા મૃતક મુળ બિહારના થાણા કુનેની જી.બાકા અને હાલ પારડી રહેતા ચંદનકુમાર અમરજીત રાય ઉ.આશરે ૨૬ વર્ષ. હોવાનું બહાર આવ્યું હતું અને પારડી ફેકટરીમાં કામ કરતો હોવાનું જાણવાં મળેલ હતું.
ત્રણ બહેનો અને માતા બિહારમાં રહે છે
હત્યારાએ બન્ને સાથળ તથા પેટના ભાગે છરીનાં ઘા મારી હત્યા નીપજાવી હતી. મૃતક બિહારથી એક મહિના પહેલા અહીં આવી કામે લાગ્યો હતો. મૃતક અપરિણીત હતો અને પરિવારમાં માતા પિતા અને ત્રણ બહેનો બિહાર વતનમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. બિહારી યુવાનની કોણે અને ક્યાં કારણોસર હત્યા કરી તે અંગે તાલુકા પીઆઇ વી.એમ.ડોડીયા એ તપાસ હાથ ધરી પારડી પાસેનાં પરપ્રાંતિય મજૂરોની પુછપરછ હાથ ધરી છે