જામનગરના ફ્લાય ઓવર બ્રિજ પર કેટલાક બાઈક સવાર પોતાના સ્ટંટના વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે, જેથી જામનગરના પોલીસના નેત્રમ વીભાગની ટીમે જુદા જુદા સીસીટીવી કેમેરાઓ તથા વાહનો માટેની એપ્લિકેશનના આધારે બાઈક સવારને શોધી કાઢ્યો હતો, અને તેને કાયદાના પાઠ ભણાવ્યા છે. જેની સામે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી તેનું વાહન કબજે કર્યું છે. સાથો સાથ ભવિષ્યમાં ફરી આવા કોઈ સ્ટન્ટ નહીં કરે તેવી પણ બાહેંધરી લીધી છે.
જામનગરના એસ.પી. ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ભયજનક ડ્રાઇવીંગ તથા બાઇક સ્ટંટ કરનાર પર કાયદેસરની કાર્યવાહીના સંદર્ભમાં જામનગર પોલીસ વિભાગના નેત્રમ શિર્ષક હેઠળના કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગની ટુકડી દ્વારા સોશિયલ મીડિયામાં તેમજ જુદા જુદા સીસીટીવી કેમેરા વગેરેનું સર્ચ કરવામાં આવી રહ્યું હતું.
દરમિયાન તા.૦૩/૧૨/૨૦૨૫ ના રોજ એક બાઇક સ્ટંટનો વિડીયો સોશીયલ મીડીયા પર વાયરલ થયેલ હોય જે ધ્યાને આવતાં પો.સબ.ઇન્સ. બી.બી.સિંગલની સુચના મુજબ એ.એસ.આઇ. પરેશભાઇ ખાણધર, પો.કોન્સ. સંજયભાઇ જોડ, રેખાબેન દાફડા, મિતલબેન સાવલીયા તથા પારૂલબા જાડેજા સહિતની ટિમ દ્વારા હ્યુમન સોર્સના આધારે તપાસ કરતાં બાઇક સ્ટંટ કરનારના મો.સા નં. જી.જે. ૧૦ ડી.એલ. ૦૭૩૯ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જે બાઇક ચાલકની આઈ.ટી.એમ.એસ. સોફ્ટવેરમાં મુવમેન્ટ ચેક કરતાં અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી રીલ્સ સાથે સરખાવતાં બાઇક સ્ટંટ કરનારની ઓળખ થવાથી તેનો આર.ટ.ઓ. ડેટા ચેક કરવામાં આવ્યો હતો.
જેમાં પોતે જામનગરના શંકર ટેકરી વિસ્તારનો રહેવાસી હોવાનું અને તેનું નામ દિવ્યેશ ડોન ઉર્ફે દિવ્યેશ શૈલેષભાઈ વાઘેલા અને શંકરટેકરી વિસ્તારનો હોવાનું જાણવા મળતાં તેની અટક કરવામાં આવી હતી.
આ વાયરલ વિડીયો વિશે પુછપરછ કરતાં તેણે તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ આ વિડીયો રીલ્સ બનાવેલી હોય તેવી કબુલાત કરતાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સીટી બી. ડીવીઝન પોલીસ મથકનો સંપર્ક કરી સદરહુ બાઇક સ્ટંટ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
એસપી. રવિ મોહન સૈનીની ટ્રાફિક નિયંત્રણ સંદર્ભે જાહેર જનતાને અપીલ
જામનગર શહેરના તમામ જાહેર રસ્તાઓ ઉપર ઓવર સ્પીડીંગ કરતા, બાઇક સ્ટંટ કરતા તેમજ રફ ડ્રાઇવીંગ કરી ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો ઉપર સી.સી.ટી.વી કેમેરા મારફતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા નજર રાખવામાં આવે છે. જેથી તમામ વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે પોતાની સલામતી માટે ટ્રાફિક નિયમો પાળવા સારૂ અપીલ કરવામાં આવી છે.