દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર શનિવારે એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં દુબઈ જઈ રહેલી એમિરેટ્સ એરલાઈન્સની ફ્લાઇટ (EK517) સાથે પક્ષી અથડાવાની દુર્ઘટના ઘટી છે. આ પક્ષી અથડાવાને કારણે વિમાનના અગ્લના ભાગને નુકસાન પહોંચ્યું છે અને ઉડાનમાં મોટો વિલંબ થયો છે, જેના કારણે મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
સમયસર રવાના ન થઈ શકી ફ્લાઇટ
મળેલી માહિતી મુજબ એમિરેટ્સની ફ્લાઈટ EK517 શનિવારે સાંજે ૪:૨૫ વાગ્યે ટર્મિનલ-૩ થી દુબઈ માટે રવાના થવાની હતી. પરંતુ, ટેકઓફ પહેલાં જ પક્ષી વિમાન સાથે અથડાતા નિર્ધારિત સમયે તેની ઉડાનમાં અડચણ ઊભી થઈ હતી. આ ટક્કરના કારણે વિમાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હોવાની પુષ્ટિ થઈ છે. અચાનક સર્જાયેલી આ સ્થિતિના કારણે મુસાફરોને આગળની મુસાફરી અંગે લાંબો સમય સુધી રાહ જોવી પડી હતી અને તેઓ પરેશાન થયા હતા.
ઘટનાનો વિડિયો વાયરલ અને ટેકનિકલ તપાસ
આ દુર્ઘટના સાથે જોડાયેલા કેટલાક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં વિમાનના આગલા ભાગ પર નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઉડ્ડયન સુરક્ષાના નિયમો અનુસાર, વિમાનના આગળના ભાગને નુકસાન પહોંચવાની સ્થિતિમાં તેની સંપૂર્ણ ટેકનિકલ તપાસ અને મરામત કરવી અત્યંત આવશ્યક બને છે, જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.