ગોંડલના આઈકોનિક રોડ પર યોજાયેલા લોકમેળામાં ગઈકાલે મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. મેળામાં ફોટો ફ્રેમના સ્ટોલ ચલાવતા સંચાલકો પર અજાણ્યા શખ્સે અચાનક છરી વડે જીવલેણ હુમલો કરતા એક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.આ હુમલામાં મૂળ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના સુડૌર ગામના વતની અને હાલ ગોંડલ રહેતા 25 વર્ષીય રમાશંકર કમલપ્રસાદ બર્મનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ઉત્તર પ્રદેશના અલ્હાબાદના રહેવાસી 28 વર્ષીય વિશાલ નરેન્દ્રભાઈ શર્માને ગંભીર ઈજાઓ પહોંચી હતી.લોહીલુહાણ હાલતમાં પડેલા ઈજાગ્રસ્ત યુવકને શિવમ સાર્વજનિક ટ્રસ્ટના જયભાઈ માધડ દ્વારા તાત્કાલિક પોતાના એક્ટિવા પર ગોંડલ સિવિલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. મૃતક રમાશંકરના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં જ ગોંડલ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતાં ડીવાયએસપી કે.જી. ઝાલા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.દરમિયાન, ગોંડલ બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જી.એસ. ગઢવી, PSI વી.કે સુરાણી એ પોતાની જાનની પરવા કર્યા વગર છરીબાજી કરી નાસી છૂટેલા આરોપીને પકડવા માટે દોટ મૂકી હતી અને નજીકના એક કોમ્પલેક્ષમાંથી જીવના જોખમે આરોપીને ઝડપી પાડ્યો હતો.મેળા જેવા ભીડભાડવાળા સ્થળે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની પૂછપરછ હાથ ધરી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો શરૂ કર્યા છે.