ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10,ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓનો પ્રારંભ તારીખ 27 ફેબ્રુઆરી 2026 થી કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત ઘણા સમય અગાઉ કરવામાં આવી છે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના ફોર્મ દિવાળીના તહેવારો પહેલા ભરાવાનું શરૂ થઈ જતું હોય છે. આ વખતે આ પ્રક્રિયામાં વિલંબ થયો છે અને હવે આજથી પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવામાં વિલંબ પછી હવે જાણે ઉતાવળ હોય તેમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 ની પરીક્ષાના ફોર્મ એક સાથે જ આજથી આગામી તારીખ 6 ડિસેમ્બર સુધી ઓનલાઇન સ્વીકારવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ આર. આર. વ્યાસ દ્વારા આ સંદર્ભે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને મોકલવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ ધોરણ 10 સંસ્કૃત પ્રથમા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની ફેબ્રુઆરી 2026 માં લેવાનારી પરીક્ષાના ફોર્મ રેગ્યુલર ફી સાથે આજથી તારીખ 6 ડિસેમ્બર સુધી રાત્રિના 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઈટ પરથી ભરી શકાશે.
તમામ નિયમિત, પુનરાવર્તિત (રીપીટર), જીએસઓએસ રેગ્યુલર, જીએસઓએસ પુનરાવર્તિત (રીપીટર) તથા પૃથથક વિદ્યાર્થીઓના ફોર્મ ફરજિયાત રીતે ઓનલાઇન ભરવાના રહેશે તેવી સૂચના બોર્ડ દ્વારા તમામ રજીસ્ટર્ડ શાળાના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ-વાલીઓને આપવામાં આવી છે.
બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ધોરણ 12 સામાન્ય પ્રવાહના રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે રૂપિયા 590, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે રુ. 725 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે રુ. 425 ફી નક્કી કરવામાં આવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પ્રાયોગિક પરીક્ષામાં વિષય દીઠ રૂપિયા 10 વધારાના લેવામાં આવશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રાયોગિક પરીક્ષામા વિષય દીઠ રૂપિયા 130 વધુ લેવામાં આવશે. આ તમામ પ્રકારની ફીમાં વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગોને સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.