ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા ગઈ કાલથી શરૂ થઈ ગઈ છે. પરીક્ષાના માર્ક જે તે દિવસે જ બોર્ડની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી મોકલી આપવાની સૂચના દરેક શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારી મારફત આપવામાં આવી છે અને તેની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે.
દરમિયાનમાં બોર્ડે એવી પણ સૂચના આપી છે કે જે શાળાઓમાં સેક્ટર સ્કિલ કાઉન્સિલના અભ્યાસક્રમો ચાલે છે તેવી શાળાઓએ સેક્ટર સ્કિલ કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલ પ્રાયોગિક મૂલ્યાંકનના 50 ગુણમાંથી ઉમેદવારે મેળવેલા ગુણની વિગત સેક્ટર સ્ટીલ કાઉન્સિલ પાસેથી પ્રાપ્ત કરી શાળા દ્વારા જ ઓનલાઇન મોકલવાના રહેશે.
દરમિયાનમાં બોર્ડે આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની શાળાના સંચાલકોને પ્રાયોગિક પરીક્ષા શાળા કક્ષાએથી લેવામાં આવનાર છે. તેના ગુણ પણ બોર્ડની વેબસાઈટ મારફત શાળાઓ દ્વારા તારીખ 21 ફેબ્રુઆરી સુધીમાં ભરીને મોકલવાના રહેશે. જો આ બાબતે કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની વિજ્ઞાન પ્રવાહની શાખાનો સંપર્ક સાધવા માટે બોર્ડના સચિવ આર. આર. વ્યાસે જણાવ્યું છે.
બોર્ડે જણાવ્યું છે કે પરીક્ષાર્થીઓના ગુણ ફેબ્રુઆરી 2026 ની પરીક્ષાના આવેદનપત્રોના અરજી નંબર (એસઆઇડી નંબર) અથવા નામના આધારે ભરવાના રહેશે. ઓનલાઈન માર્ક ભરવા માટેની તમામ સૂચનાઓ શાળાના ઇન્ડેક્સ નંબર અને નોંધાયેલા મોબાઈલ નંબર થી લોગીન કર્યા પછી ઓનલાઇન મળી શકશે.
બોર્ડ દ્વારા ગઈકાલથી રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષા શરૂ થઈ છે. આ પરીક્ષાના માર્ક ભરવા માટેની પણ અલગથી સૂચનાઓ દરેક શાળા સંચાલકોને બોર્ડ દ્વારા મોકલવામાં આવી છે.
જે શાળાઓમાં સેક્ટર સ્કીલ કાઉન્સિલના વોકેશનલ વિષયનો અભ્યાસક્રમ ચાલે છે તેવી શાળાઓએ પ્રાયોગિક મૂલ્યાંકનના 50 ગુણમાંથી ઉમેદવારે મેળવેલા ગુણ પણ સેક્ટર સ્કિલ કાઉન્સિલના પ્રતિનિધિ પાસેથી મેળવીને ઓનલાઈન ભરવાની સૂચના આપવામાં આવી છે.