સરકાર દ્વારા ચાલતા આયુષ્યમાન કાર્ડ હેઠળ જોડિયા તાલુકાના બોડકા ગામની ૩ વર્ષની બાળકી નેહાનું સીએચડી એટલે કે હૃદયના કાણાની સમગ્ર સર્જરી અને સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવી છે. બોડકા ગામમાં રહેતા અને છૂટક ખેત મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા અરવિંદભાઈ સોલંકીને ત્યાં તારીખ ૦૮-૦૮-૨૦૨૨ ના રોજ દીકરી નેહાનો જન્મ થયો હતો, જેનાથી ઘરમાં ખુશીનો માહોલ છવાયો હતો. જોકે, જન્મ સમયે કોઈ બીમારી જણાઈ નહોતી.
બોડકાના આંગણવાડી પર જ્યારે બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે, ત્યારે નેહા તબિયત સારી ન હોવાથી આંગણવાડી આવી નહોતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપૂર પ્રસાદ અને જોડિયાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. સંજય સોમૈયાના માર્ગદર્શન હેઠળ કામ કરતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ સતત કાર્યરત હતી. તારીખ ૧૨-૦૩-૨૦૨૫ ના રોજ આરબીએસકે ટીમ, જેમાં ડો. સેજલ કરકર, ડો. દેવજી નકુમ, એફ.એચ.ડબલ્યુ. બંસી ડાંગર, બોડકાના એફ.એચ.ડબલ્યુ. નીતાબેન પંડ્યા અને આંગણવાડી કાર્યકર મધુબેન પરમારે બાળકની ગૃહ મુલાકાત લીધી. પ્રાથમિક તપાસમાં બાળકને હૃદયની તકલીફ હોય તેવું જણાતાં, ટીમે તુરંત સંદર્ભ કાર્ડ ભરીને જી.જી. હોસ્પિટલ જામનગર અને ત્યારબાદ આગળની સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે જવા માટે પરિવારને સમજાવ્યું.
પરંતુ પરિવારે અમદાવાદ જવાને બદલે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે સારવાર કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી. આથી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીઠળના ઓપરેટર નરેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કરીને આયુષ્યમાન કાર્ડની પ્રક્રિયા કરી કાર્ડ કાઢવામાં આવ્યું. આયુષ્યમાન કાર્ડ આવ્યા બાદ આરબીએસકે આરોગ્ય ટીમના સંપર્કમાં રહીને પરિવાર રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે આગળની સારવાર માટે ગયું. ત્યાં બાળકની જરૂરી આરોગ્ય તપાસ અને રિપોર્ટ કરતાં તેને હૃદયમાં કાણું હોવાનું નિદાન થયું.
રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની ટીમે ખૂબ જ કુનેહથી તારીખ ૧૯-૦૫-૨૦૨૫ ના રોજ ઓપરેશન અને જરૂરી સારવાર કરીને ક્ષતિને દૂર કરી. બાળકીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેને દર ૬ મહિને નિયમિત તપાસ માટે કહેવામાં આવ્યું છે. આ બાળક હાલ નોર્મલ જીવન જીવી રહ્યું છે. આરોગ્ય તંત્ર દ્વારા દીકરીની સમગ્ર સારવાર અને હૃદયના કાણાનું ઓપરેશન તદ્દન વિનામૂલ્યે કરવામાં આવતા તેણીના માતા-પિતા અને સમગ્ર પરિવારે આરોગ્ય તંત્રના આ પ્રયાસોથી ગદગદિત થઈને સર્વ પ્રત્યે ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી છે.