રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આજે સવારે એક હચમચાવી મૂકનાર ઘટના સામે આવી છે. ભગવતીપરાના પાછળના વિસ્તારમાં લોકોએ એક મહિલાનો મૃતદેહ પડેલો જોયો હતો. મૃતદેહની હાલત જોઈ સૌ કોઈ હતપ્રભ રહી ગયા. મહિલાના શરીર પર અનેક ઘા જોવા મળ્યા હતા, જેના પરથી તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. મૃતકની ઓળખ સ્નેહાબેન હિતેશભાઈ અસોડિયા (ઉં.વ.33) તરીકે થઈ છે.
પોલીસ કાફલો દોડી ગયો
મળતી માહિતી મુજબ, રાજકોટમાં બેડી ચોકડી પાસે સ્નેહાબેન આસોડિયાનું માથું છૂંદેલી હાલતમાં અને હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલા ભગવતીપરા કોપરગ્રીન સોસાયટીમાં રહેતી હતી અને તેમણે પોતાના પતિને પોતે પાણીપુરી ખાવા જઈ રહી હોવાનું કહીને ફેક્ટરીમાંથી પાછા આવતી વખતે તેમને લેતા આવવા જણાવ્યું હતું. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હત્યાના આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
હત્યાનું કારણ અકબંધ
એસીપી બી. વી. જાધવે જણાવ્યું હતું કે, બી-ડિવિઝન પોલીસ વિસ્તારમાં અવાવરું જગ્યાએ સ્નેહાબેનનું રાત્રિ દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા ઈસમે મોઢાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને મૃત્યુ નીપજાવ્યું છે. હાલમાં હત્યા પાછળનું કારણ જાણવા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે, હત્યાનું કારણ અકબંધ છે. તેઓ રાત્રે 7:30-8 વાગ્યે ઘરે પાણીપુરી ખાવા જવાનું કહીને તેઓ બહાર નીકળ્યા હતા અને રાત્રિ દરમિયાન ઘરે પરત ફર્યા ન હતા, જે બાદ આજે સવારે મૃતદેહ મળ્યો હોવાની જાણ થઈ હતી.
મને મારા સાળાએ જાણ કરી હતી
મહિલાના પરિવારજને જણાવ્યું હતું કે, રાત્રે તે પાણીપુરી ખાવા ગઈ હતી, જે બાદ ઘરે પરત ફરી ન હતી. મને જાણ કરીને ગઈ હતી કે ઘરે પરત ફરતી સમયે મને તેડતા જજો પણ તે ક્યાંય દેખાઈ ન હતી એટલે હું ઘરે પહોંચ્યો હતો. જ્યાં ઘરની લાઈટ-પંખા ચાલુ હતા અને ફોન પણ ચાર્જિંગમાં મુકેલો હતો. મને મારા સાળાએ જાણ કરી હતી કે, ફોનમાં આવું કંઈક આવ્યું છે ત્યારે જાણ થઈ હતી.