ગોંડલમાં બે દિવસ પૂર્વે ગુમ થયેલ યુવકનો મૃતદેહ પાણી ભરેલી ખાણમાંથી મળ્યો
ગોંડલમાં બે દિવસ પૂર્વે ગુમ થયેલ યુવકનો મૃતદેહ પાણી ભરેલી ખાણમાંથી મળ્યો
May 28, 2026 11:26 AM
ગોંડલ વોરાકોટડા રોડ પર આવેલી ખાણો મોટાભાગે પાણીથી ભરેલી રહે છે, યાં ગણેશ ઉત્સવ દરમિયાન મૂર્તિ વિસર્જન પણ કરવામાં આવે છે. જોકે, હાલ આકરા ઉનાળાને પગલે ખાણમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. ગઈકાલ બુધવારે સવારે આ વિસ્તારમાં કામ કરતા એક મજૂરે ખાણના પથ્થરો વચ્ચે પાણીમાં અડધી ડૂબેલી હાલતમાં એક મૃતદેહ જોતાં તેણે તાત્કાલિક આસપાસના લોકોને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા આ મૃતદેહ વોરાકોટડા રોડ પર જ રહેતા રેનિશભાઈ બાબુભાઈ માલવિયાનો હોવાની ઓળખ થઈ હતી. ઓળખ થતાં જ તાત્કાલિક તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. મૃતદેહને વધુ તપાસ અર્થે ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, મૃતક રેનિશભાઈ માલવિયા ટ્રકમાં છૂટક કલીનર તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. બે દિવસ પહેલા તેઓ આ ઘટનાસ્થળ પાસે ગયા હતા. પ્રાથમિક અનુમાન મુજબ, અકસ્માતે પગ લપસી જવાથી પાણીમાં ખાબકતા તેમનું ડૂબી જવાથી મોત નીપયું છે. જોકે, મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ્ર થશે.નોંધનીય છે કે, મૃતકને સંતાનમાં એક પુત્ર છે. રેનિશભાઈ બે દિવસથી ઘરે પરત ન ફરતા તેમના ગુમ થવા અંગે પરિવારજનો દ્રારા પોલીસ મથકમાં અગાઉ જાણ પણ કરવામાં આવી હતી. આ ઘટનાથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે..