ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ’ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે, અને આવા બોગસ ખાતાધારકો કે જેઓ પોતે વાહક બને છે, એટલે કે પોતાના ખાતા ખોલાવીને કમિશન મેળવવાની લાલચે ચીટર લોકોને તે ખાતું ઓપરેટ કરવામાટે સોંપી દે છે, આવા ખાતા ધારકો સામે જામનગર પોલીસ મથકમાં ફરિયાદો નોંધાવાની કાર્યવાહી પુરજોસમાં ચાલી રહી છે. દરમિયાન શહેરમાં ગઈકાલે આવા વધુ ૬ બેન્ક ખાતા મળી આવ્યા છે. જેમાં ૧૩ શખ્સો વિરુઘ્ધ ગુના નોંધવામાં આવ્યા છે.
જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલાની રાહબરી હેઠળ છેલ્લા ૩ દિવસ દરમિયાન સીટી એ,બી, સી ડિવિઝન પોલીસ મથક દ્વારા કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે, પ્રથમ એક ફરીયાદ અને બે આરોપી, એ પછી પાંચ ફરીયાદમાં ૧૨ આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી હતી, ગઇકાલે વધુ ૬ ફરીયાદ આ મામલે નોંધાઇ છે, જેમાં કુલ ૧૩ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં કુલ ૧૨ ફરીયાદમાં કુલ ૨૭ શખ્સોનો સમાવેશ થાય છે, બીજી બાજુ પોલીસ દ્વારા આ ગેરકાયદે નાણાની ઉપાપતના કારસ્તાનમાં મુખ્ય સુત્રધારો સુધી પહોચવા માટે જીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.
સીટી-એ ડીવીઝનના હેડ કોન્સ વિજયભાઈ બળદેવભાઈ કાનાણી દ્વારા જાતે ફરીયાદી બનીને ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં રિઘ્ધી સિઘ્ધી સોસાયટીમાં રહેતા એકાઉન્ટધારક શબિર હુસેન સિદિકભાઈ બ્લોચ તથા એકાઉન્ટ વપરાશ કરતા હર્ષદમીલની ચાલી નજીક જાગૃતી સોસાયટીમાં રહેતા આફતાબ તારમામદ સમાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેઓના બેન્ક ખાતામાં કુલ ૩૧,૫૩,૯૦૦ જેવી રકમનું ગેરકાયદે રીતે ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જે ગુનો દાખલ કર્યા બાદ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. લોકો સાથે ઇન્ટરનેટના માઘ્યમથી ઠગાઇ કરવા અને ગેરકાયદે નાણા હેરફેર કરવા માટે પોતાની બેન્ક એકાઉન્ટની કીટો આપી કમિશન મેળવવા એકબીજાને મદદગારી કરી ગેરકાયદે નાણા સગેવગે માટે ટ્રાન્જેકશન કરવામાં આવ્યા છે.
અન્ય ફરીયાદમાં સીટી-બી ડીવીઝનના હેડ કોન્સ સોયેબભાઇ મકવા દ્વારા જોડીયાભુંગાના શબીર અબ્દુલ નાગીયા અને સનસીટી સોસાયટીના મુનાવર મનસુર બુચડની વિરુઘ્ધ એવી ફરીયાદ કરી હતી કે આરોપીઓ દ્વારા કમિશન મેળવવા આશરે ૩ લાખ જેટલી રકમના અનઓથોરાઇઝડ ટ્રાન્જેકશન પોતાના બેન્ક એકાઉન્ટમાં કરાવી ગુનો કર્યો હતો. જયારે સીટી-એ ડીવીઝનના હેડ કોન્સ યોગેન્દસિંહ સોઢા દ્વારા વાઘેરવાડામાં રહેતા મહમદશફી ગફાર કકકલ તથા જુલેખા મસ્જીદ પાસે રહેતા સુલતાન આલુલાની વિરુઘ્ધ ફરીયાદ કરી છે જે મુજબ ઠગાઇ કરવા પોતાના બેન્ક ખાતાની વિગતો આપી કમિશન મેળવવા માટે આશરે ૯.૭૨ લાખ જેવી રકમ અનઓથોરાઇઝડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સીટી-એના કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા દ્વારા સેતાવાડ ડેલા પાસે રહેતા એકાઉન્ટધારક સાહીલ સતાર જુનાણી અને સાહીદ તથા અલફેઝભાઇ ત્રણની વિરુઘ્ધ ફરીયાદ કરી છે. જેમાં બેન્ક એકાઉન્ટનું એટીએમ કાર્ડ આપી કમિશન મેળવી એકબીજાને મદદગારી કરી આશરે ૨૦ હજાર જેવી રકમની હેરફેર કરવામાં આવી છે.
જયારે સીટી-સી ડીવીઝનના હેડ કોન્સ. શિવભદ્રસિંહ જાડેજા દ્વારા અંધાશ્રમ આવાસ બ્લોક ૩૦માં રહેતા અંકીત મુકેશ બારોટ અને નિલકમલ સોસાયટીમાં રહેતા દેવ ઉર્ફે ડીકે ભટ્ટની વિરુઘ્ધ એવી ફરીયાદ કરી છે કે નાણાની હેરફેરના ઇરાદાથી અંકીતના બેન્ક ખાતામાં ૪.૯૯ લાખ નખાવી ચેક દ્વારા ઉપાડી એકબીજાને મદદગારી કરી ગેરકાયદે નાણાની હેરફેર કરવામાં આવી છે.
ઉપરાંત કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. મહેશભાઇ ચાવડા દ્વારા મુળ કેશવાળા ગામના હાલ રાજકોટના જેતપુર ખોળપરા ત્રિનેત્રમ એપાર્ટમેન્ટ ખાતે રહેતા યુવરાજસિંહ જયેન્દ્રસિંહ ચુડાસમા અને જેતપુરના બાવાવાડપરા વિસ્તારમાં રહેતા જય દિલીપ માંડવીયા અને તપાસમાં જે ખુલે તેની સામે ફરીયાદ નોંધાવી છે. જેની વિગત મુજબ આરોપીઓએ કાવતરૂ રચી સાહેદ રૂષીસિંહ જાડેજાના બેન્ક ખાતાનો ગેરકાયદે ઉપયોગ કરી છેતરપીંડી કરીને મેળવેલ રૂ. ૧૧.૨૫.૪૯૫ સાહેદના ખાતામાં જમા કરાવી પરત આંગડીયા મારફતે મેળવી છેતરપીંડીથી મેળવેલ રૂપીયામાંથી યુવરાજસિંહને ૩૩ હજાર કમિશન પેટે બાકીના રૂપીયા જયએ પોતાની પાસે રાખી અનઓથોરાઇઝડ ટ્રાન્જેકશન કર્યાનું સામે આવ્યુ છે.
ઉપરકત ફરીયાદોના આધારે જુદા જુદા પોલીસ મથકોના અધિકારીઓ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને મ્યુલ હન્ટ ઓપરેશન અંતર્ગત રાજયમાં ચાલી રહેલી તપાસોમાં જામનગરમાં અત્યાર સુધી કુલ ૧૨ ફરીયાદ દાખલ થઇ ચુકી છે અને પકડાયેલા ઇસમોની તપાસ ઉપરાંત મુખ્ય ઉચાપતના સુત્રધારો કોણ એ દીશામાં તપાસનો ધમધમાટ લંબાવવામાં આવ્યો છે.