BREAKING NEWS

જામનગરના રેકર્ડબ્રેક જીએસટી કૌંભાડમાં ૫૬૦ કરોડનું બોગસ બીલીંગ

  • October 10, 2025 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના રેકર્ડબ્રેક જીએસટી કૌંભાડ રાજયવ્યાપીે અને ૧૧૨ કરોડની કરચોરી કરવામાં આવી હોવાનો તપાસના અંતે ઘટસ્ફોટ થતા ખળભળાટ મચી ગયો છે. રાજયવ્યાપી કૌંભાડના મુખ્ય સૂત્રધાર જામનગરના સીએ અલ્કેશ પેઢડીયા દ્રારા કરવામાં આવેલા રૂ.૫૬૦ કરોડના બોગસ બીલીંગના નેટવર્કનો પર્દાફાશ થયો છે અને તે નાસતો ફરતો હોય તેની સામે લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે. મેગા સર્ચમાં જામનગર સહીત રાજયભરમાં ૨૫ સ્થળો પર તપાસમાં ૧૪ પેઢી બોગસ હોવાનું ખૂલ્યું છે. આટલું જ નહીં જામનગર સહીત રાજયભરમાં આ કૌંભાડમાં સંડોવાયેલા શખ્સોની રૂ૩૬ કરોડની સ્થાવર અને જંગમ મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.


જામનગરમાં ગત શુક્રવારે સ્ટેટ જીએસટીની અન્વેષણ વિભાગ અમદાવાદ, રાજકોટ,ભાવનગર અને જૂનાગઢની ૨૫ ટીમ દ્રારા મેગાસર્ચ ઓપરેશન હાથ ધરી સીએ, વકીલ, બિલ્ડર્સ અને બ્રાસપાર્ટ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના હીરજી મીસ્ત્રી રોડ પર બ્રહ્મ એસોસીએટ પેઢી ધરાવતા સીએ અલ્કેશ પેઢડીયા દ્રારા અનેક પેઢીઓમાં બેનામી હીસાબો અને વ્યવહારો કરી ૧૦૦ કરોડનું કૌંભાડ આચરવામાં આવ્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. આથી તેના ઘેર અને અન્ય એકમોમાં તપાસ  હાથ ધરવામાં આવી હતી. આ કૌંભાડના તપાસનો સીલસીલો  સતત સાત દીવસ સુધી ચાલ્યો હતો.


આ દરમ્યાન જામનગર સહીત રાજયભરમાં ૨૫ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સમગ્ર કૌંભાડના મુખ્ય સૂત્રધાર સીએ અલ્કેશ પેઢડીયાએ રૂ.૫૬૦ કરોડના બોગસ બીલીંગ કરી રૂ.૧૧૨ કરોડની કરચોરી કરી હોવાનો પર્દાફાશ થતા જામનગર સહીત રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે. આટલું જ નહીં તપાસ દરમ્યાન ૧૪ પેઢી બોગસં એટલે કે નોન જેન્યુઅન ટેકસપેયર હોવાની સંડોવણી બહાર આવી છે. જેઓ માલની ફીઝીકલ મુવમેન્ટ વગર ફકત ઇન્વોઇસ બનાવી ખોટી રીતે ઇનપુટ ટેકસ ક્રેડીટનો દાવો કરતા હોવાનું ખૂલ્યું છે. પ્રારંભીક તપાસ સંબધિત પેઢીઓના માલીકોએ નિવેદનમાં જણાવ્યું છે કે, આવી અનેક પેઢીઓ સીએ અલ્કેશ પેઢડીયા દ્રારા ચલાવામાં આવીતી હતી.


તપાસ દરમ્યાન અમુક નીયમ જીએસટી નંબર ધરાવતા કરદાતાઓને જીએસટી નંબરનો દુરપયોગ કર્યાનું પણ ખૂલ્યું છે. તેઓએ જણાવ્યું છે કે સીએ અલ્કેશ દ્રારા જીએસટી કમ્પલાઇન્સ સર્વીસના બહાને વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ભોગ બન્યા છે અને તેઓ દ્રારા પોલીસ ફરીયાદ કરવાનો નિર્ણય કરાયો છે. જયારે અમુક પેઢી દ્રારા ઉપસ્થિત કરવામાં આવેલી વેરાકીય જવાબદારી સ્વીકારી નિયમ મુજબ વ્યાજ અને દંડ ભરપાઇ કરવાની ખાતરી આપી છે. 


જામનગરના સીએ અલ્કેશ પેઢડીયા સામે ૩.૭૦ કરોડના ચિટીંગની વધુ એક ફરીયાદ​​​​​​​

જામનગરમાં જીએસટીના બોગસ બિલીંગ કૌભાંડના ચકચારી પ્રકરણમાં સીએ સામે વધુ એક ૩.૭૦ કરોડની છેતરપીંડી કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે જેની તપાસ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.

જામનગરના રણજીતસાગર રોડ, પટેલ પાર્ક શેરી નં. ૨માં રહેતા સંજય રસિકભાઇ ચિતારા નામના વેપારી શ્રુતી એન્ટરપ્રાઈઝ નામે પેઢી ધરાવે છે આ પેઢીના ઇન્કમટેક્ષ રીટર્ન, જીએસટી રીટર્ન ફાઇલનું કામ સીએ અલ્કેશ પેઢડીયા સંભાળે છે, ફરીયાદીને હોમલોન ફાઇલ કરાવી આપેલ અને બેન્ક એકાઉન્ટ નંબર, પેઢીના મોબાઇલ નંબર, ઇમેલ એડ્રેસ સીએએ રાખેલ હતુ જેથી ઓટીપી પણ તે નંબરમાં આવે છે.

દરમ્યાન જીએસટી વિભાગ તરફથી પેઢીના નામે સમન્સ બજવણી ગત તા. ૨-૯-૨૫ના રોજ થતા નિવેદન આપેલ ત્યારે જાણવા મળેલ કે ફરીયાદીના જીએસટી રીટર્નમાં ખરીદ વેચાણના ગ્રાહકોના બીલો બતાવેલ છે, જો કે ફરીયાદી તમામ બીલોમાં સપ્લાયર કે ગ્રાહક વ્યકિતને ઓળખતા નથી આ અંગે સીએને ફોન કરતા વાત કરેલ કે જીએસટી રીટર્ન ફાઇલ કરેલ તેમા ખોટા બીલો દર્શાવેલ છે અને તેઓ પેનલ્ટીનું સુલટાવી નાખશે તેમ જણાવ્યુ હતું. 

પેઢીમાં સને ૨૦૧૮થી ૩૦-૯-૨૫ના સમયગાળા દરમ્યાન ખરીદ વેચાણના બીલો દર્શાવી જામનગરના હીરજી મિસ્ત્રી રોડ બ્રહ્મ એન્ડ એસોસીએટવાળા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયાએ ૩.૭૦ કરોડની વેરા શાખ ફરીયાદીની જાણ બહાર કરી ખોટા બીલોના આધારે વિશ્ર્વાસઘાત કર્યો હતો આથી સંજયભાઇ ચિતારા દ્વારા ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં સીએ અલ્કેશ પેઢડીયા વિરુઘ્ધ આઇપીસી ૪૦૬ મુજબ ફરીયાદ નોંધાવતા આ અંગેની તપાસ એલસીબી પીએસઆઇ પી.એન. મોરી ચલાવી રહયા છે. આમ જામનગરના સીએ સામે જીએસટી કૌભાંડના પ્રકરણમાં વધુ એક પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે.


કૌંભાડમાં સંડોવાયેલી પેઢીઓના નામ જાહેર કરવામાં ન આવતા અનેક સવાલ

જામનગરનું ઐતિહાસીક જીએસટી કૌંભાડ રાજયવ્યાપી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. ત્યારે અમદાવાદની જીએસટીની વડી કચેરી દ્રારા તપાસ દરમ્યાન જામનગર સહીત રાજયભરમાં ૨૫ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાહેર કરાયું છે. પરંતુ કયાં કયાં શહેરોમાં અને કંઇ કંઇ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી, કંઇ પેઢીની કૌંભાડમાં શું ભૂમિકા હતી તે સહીતની વિગતો જાહેર કરવામાં ન આવતા અને પેઢીના નામ ગુપ્ત રાખવામાં આવતા આ કામગીરી સામે શંકા સાથે અનેક સવાલ ઉઠયા છે.​​​​​​​


ફરાર સીએની આગોતરા જામીન અરજીની ૧૪મીએ સુનાવણી થશે

જામનગર સહીત રાજયવ્યાપી જીએસટી ચોરી કૌંભાડનો માસ્ટર માઇન્ડ સીએ અલ્કેશ પેઢડીયા દરોડના પ્રથમ દિવસથી ફરાર થઇ ગયો છે. આટલું જ નહીં તેની ધરપકડ માટે સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે. ત્યારે ધરપકડથી બચવા માટે સીએ અલ્કેશે જામનગરની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેની સુનાવણી ૧૪ ઓકટોમ્બરના મુકરર કરવામાં આવી છે.​​​​​​​


અનેક બેંક ખાતામાં નાણાંકીય વ્યવહારો, ફંડનો ઉપયોગ કયાં કરાયો તેની તપાસ

જામનગરના જીએસટીનું મેગા કૌંભાડ રાજયભરમાં ફેલાયેલું હોવાનું ખૂલતા તપાસનીશ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં. આટલું જ નહીં તપાસ દરમ્યાન ખોટા ઇન્વોઇસ અને નાણાંકીય રેકર્ડમાં ગેરરીતિના પુરાવા મળ્યા છે. આથી શંકાસ્પદ દસ્તાવેજો,કોમ્પ્યુટર અને અન્ય ડીજીટલ સ્ટોરેજ ડીવાઇસ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ દરમ્યાન અનેક બેંક ખાતામાં નાણાંકીય વ્યવહારો અને લેયર જોવા મળ્યા હોવાનું ખૂલતા મસમોટું ફંડ કંઇ દીશામાં ડાઝવર્ઝન કરવામાં આવ્યું છે એટલે કે કયાં ઉપયોગ કરવામાં આવ્યો છે તે દીશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ​​​​​​​


રૂ.૪.૬૨ કરોડની આઇટીસી બ્લોક, બેંક ખાતા ફ્રીઝ કરાયા 

જીએસટીના અધિકારીઓ દ્રારા તપાસ દરમ્યાન મસમોટી કરચોરીનું કૌંભાડ ખૂલતા મળવાપાત્ર ન હોય તેવી રૂ.૪.૬૨ કરોડની આઇટીસી એટલે કે ઇનપુટ ટેકસ ક્રેડીટ બ્લોક કરી બેંક ખાતા ફ્રીઝ કરી રૂ.૧ કરોડથી વધુની રકમ સીઝ કરાઇ છે. જયારે  કૌંભાડમાં સંડોવાયેલા શખ્સોની ૩૬ કરોડની સ્થાવર અને જંગમ મીલકત ટાંચમાં લેવાઇ છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application