નાઈજીરીયાના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા બોરનો રાજ્યમાં સુરક્ષા દળો સામે એક અત્યંત ગંભીર અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. રાજ્યના એક સૈન્ય ઠેકાણા પર કુખ્યાત આતંકી સંગઠન બોકો હરામના ચરમપંથીઓ દ્વારા અચાનક ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. આ ભીષણ હુમલામાં આતંકીઓએ ઓછામાં ઓછા 10 સૈનિકોની હત્યા કરી નાખી છે, જ્યારે 20 કરતા વધુ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
સૈન્ય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મંગળવારની રાત્રે ભારે હથિયારોથી સજ્જ ઉગ્રવાદીઓએ ગુજામાલા સ્થાનિક સરકારી વિસ્તારમાં આવેલા આ સૈન્ય બેઝને નિશાન બનાવ્યું હતું. હુમલાખોરોએ અચાનક હુમલો કરીને સૈનિકો પર કાબૂ મેળવી લીધો હતો, અનેક સૈન્ય વાહનોને આગ લગાડીને નષ્ટ કરી દીધા હતા અને નજીકના મેરારી ગામના કેટલાક ભાગોમાં પણ ભારે આગચંપી કરી હતી.
આ ભીષણ હુમલામાં માત્ર સૈનિકો જ નહીં પરંતુ સામાન્ય નાગરિકો પણ ભોગ બન્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સ દ્વારા સૂત્રોના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે આ હુમલામાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે ઓછામાં ઓછા 5 નિર્દોષ નાગરિકો અને 1 ફોરેસ્ટ ગાર્ડનું પણ કરુણ મોત નીપજ્યું છે. આતંકી હુમલાના ભોગ બનેલા એક સ્થાનિક માછીમારે જણાવ્યું હતું કે સૈન્ય ઠેકાણા પર હુમલો કરતા પહેલા આ લડાકુઓ એ નજીક જ સરોવરના કિનારે વસેલા 'તુમબુન બારેબારી' નામના ગામમાંથી 40 થી વધુ નામોની હોડીઓ છીનવી લીધી હતી. અન્ય એક માછીમારે જણાવ્યું કે આ હુમલો એકસાથે અનેક જગ્યાએ યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઉત્તર-પૂર્વ નાઈજીરીયામાં છેલ્લા 17 વર્ષથી સક્રિય સશસ્ત્ર વિદ્રોહ અને આતંકવાદને ડામવા માટે નાઈજીરીયન સેના દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે, આટલા વર્ષોની સઘન કાર્યવાહી છતાં તાજેતરના અઠવાડિયામાં બોકો હરામ અને ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ અફઘાનિસ્તાન પ્રોવિન્સ (ISWAP) જેવા ઇસ્લામિક સમૂહોના હુમલાઓ અચાનક વધી ગયા છે. અગાઉના સપ્તાહમાં જ નાઈજીરીયન સૈનિકોએ બોરનો રાજ્યમાં સેનાની એક ચોકી પર થયેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો અને ISWAP ના 25 થી વધુ આતંકીઓને ઠાર માર્યા હતા, પરંતુ તાજેતરની આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કર્યા છે.