જામનગરના સરદારનગરમાં રહેતા ડ્રાઇવરના જુનાગઢ માલસામાન લેવા જવાનું બહાનુ બતાવીને લઇ ગયા બાદ હુમલો કરી બોલેરો પિકઅપ ગાડી બળજબરી પુર્વક લઇને નાશી ગયેલા બે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ થતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના સાંઢીયા પુલ પાસે સરદારનગર-૧માં રહેતા ડ્રાઇવીંગ કરતા માલદે હેભાભાઇ આંબલીયા (ઉ.વ.૩૮)નામના યુવાને ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં બળજબરીપુર્વક પિકઅપ ગાડી લઇને ચાલ્યા ગયેલા બે અજાણ્યા શખ્સો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ફરીયાદી માલદેભાઇ ગત તા. ૧૦-૧૨-૨૫ના રોજ બપોરના બારેક વાગ્યે જકાતનાકા ગોકુલનગર પાસે ઉભા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો અગાઉથી કાવતરૂ રચી તેની પાસે આવ્યા હતા અને જુનાગઢ ઘરવખરીનો માલસામાન લેવા જવું છે તેવી વાત કરી હતી અને ફરીયાદીનું વિઝીટીંગ કાર્ડ લઇ ગયા હતા એ પછી રાત્રીના સવા આઠ વાગ્યે ઠેબા ચોકડીએ બોલાવ્યા હતા.
દરમ્યાન જુનાગઢ લઇ જઇ હવે ઘરવખરીનો માલસામાન લેવાનો નથી તેમ કહી જામ કંડોરાણા આવી પેશાબ કરવાનું બહાનુ કાઢીને ફરીયાદીની બોલેરો પિકઅપ ગાડી રોકાવી હતી અને બે શખ્સો પૈકી એક જણાએ ફરીયાદીના મોઢા પર ટુવાલ નાખી દઇ બંને જણાએ હાથથી માર મારી ગળુ દબાવી દઇ અને જમીન પર પછાડી દીધા હતા.
ફરીયાદી ઉભા થાય ત્યા સુધીમાં બંને શખ્સોએ તેની જીજે૩૨ટી-૬૯૩૭ નંબરની બોલેરો પિકઅપ ગાડી ભયમાં મુકી બળજબરી પુર્વક લઇ ચાલ્યા જઇ ગુનો કર્યો હતો, આ ફરીયાદના આધારે પીએસઆઇ બરબસીયા દ્વારા સ્થળ પરના આજુબાજુના વિસ્તારના જુદા જુદા સીસી ફુટેજ ચેક કરવા સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે.