રાજકોટ મહાપાલિકાની સ્થાપનાની ૫૨-મી વર્ષગાંઠની ઉજવણી નિમિતે કાલે તા.૧૯ નવેમ્બરને બુધવારે રાત્રે આઠ કલાકે બોલિવૂડના સુપ્રસિદ્ધ સિંગર સચેત ટંડન અને પરંપરા ઠાકુરની મ્યુઝિકલ નાઇટ યોજાશે.
વિશેષમાં આ અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાએ જણાવ્યું હતું કે, બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત મ્યુઝિકલ નાઇટ સાથે વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત મેયર એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે તેમજ સ્વચ્છ-હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ આ કાર્યક્રમ અંતર્ગત થશે. કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ કેબિનેટ મંત્રી તથા રાજકોટ શહેરના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવશે. કાર્યક્રમના અનુસંધાને રાજકોટ મહાપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સર્વે રાજકોટવાસીઓને મ્યુઝિકલ નાઇટ માણવા માટે ઉમટી પડવા ભાવભર્યું જાહેર આમંત્રણ અપાયું છે.
સચેત અને પરંપરા આ ગીતો ગાશે
(૧) જા રાંઝણ રાંઝણ (દો પતિ),
(૨) હમસફર (સૈયારા),
(૩) બેખયાલી (કબીર સિંઘ),
(૪) મેરે સોણીયા (કબીર સિંઘ)
(૫) શિવ તાંડવ (આલ્બમ)
(૬) રામ સિયા રામ (આદિપુરુષ)
(૭) ઓ માઇયા મેનુ યાદ આવે (જી),
(૮) મલંગ સજના (આલ્બમ)