BREAKING NEWS

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ઠંડીની આગેકૂચમાં બ્રેક, MP, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોલ્ડવેવની ચેતવણી

  • November 13, 2025 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરના મોટાભાગના વિસ્તારમાં ગઈકાલની માફક આજે પણ લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ થવા પામી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 6 થી 7 દિવસ સુધી લઘુતમ તાપમાનમાં ખાસ મોટો નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી અને તેના કારણે શિયાળાની આગેકૂચને થોડા સમયની બ્રેક લાગશે.


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જમ્મુ કશ્મીર તથા સમગ્ર હિમાલયન રિજીયનમાં થયેલી બરફ વર્ષના કારણે છેલ્લા એકાદ સપ્તાહથી લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. ગઈકાલથી તેને બ્રેક લાગી ગઈ છે અને હજુ આગામી છ સાત દિવસ સુધી લઘુતમ તાપમાનમાં ખાસ મોટા ફેરફારની શક્યતા નથી. ગુજરાતમાં અત્યારે લઘુતમ તાપમાન 15 થી 18 ડિગ્રી આસપાસ છે. જોકે દરિયાકાંઠાના દ્વારકા ઓખા જેવા શહેરોમાં તો આજે લઘુતમ તાપમાન ૨૧ થી ૨૪ ડિગ્રી જેટલું રહ્યું છે.


અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમના કારણે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાનમાં બે દિવસ માટે કોલ્ડ વેવથી સિવિયર કોલ્ડ વેવ માટેની ચેતવણી આપવામાં આવી છે. પરંતુ તે સિવાય ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં શિયાળો આગળ વધતો અટકી ગયો છે. નોર્થ વેસ્ટ, સેન્ટ્રલ અને ઇસ્ટના રાજ્યોમાં આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ થવાની શક્યતા દર્શાવવામાં આવે છે.


ગુજરાતની વાત કરીએ તો આજે સૌથી નીચું તાપમાન અમરેલીમાં 13.6 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરમાં 17.8 ભુજમાં 18.4 દ્વારકામાં 21 કંડલામાં 18.7 નલિયામાં 14.5 ઓખામા 24.4 પોરબંદરમાં 16.6 રાજકોટમાં 15.2 વેરાવળમાં 19.4 અમદાવાદમાં 16 વડોદરામાં 16 દમણમાં 17.8 ગાંધીનગરમાં 15.5 સુરતમાં 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.


ભેજનું પ્રમાણ પણ સરેરાશ 75% આસપાસ રહેવા પામ્યું છે. જોકે રાજકોટમાં આજે સવારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 84% જેટલો ભેજ નોંધાયો હતો અને તેના કારણે સવારે લોકોને ઠંડીનો અહેસાસ થયો હતો. બપોરે મહત્તમ તાપમાન એકાએક ઝડપભેર વધી જાય છે, રાજકોટમાં ગઈકાલે મહત્તમ તાપમાન 33 ડિગ્રી હતું જે પણ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હતું. આ ઉપરાંત વેરાવળમાં 32.6 ભુજમાં 32 ડીસામાં 32.5 અને કંડલામાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન બુધવારે નોંધાયું હતું.


દક્ષિણના ચોમાસાની અસરના ભાગરૂપે આંધ્રપ્રદેશ કર્ણાટક તામિલનાડુ અને કેરલામાં વરસાદ ચાલુ જ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News