અફઘાનીસ્તાનની તાલીબાન સરકારે કાનુન લાગુ કર્યો છે કે દીકરીની ચુપ્પી શાદીની સહમતી માની લેવામાં આવશે. જેના પગલે માનવ અધિકાર સંગઠનોમાં ચિંતા પ્રસરી ગઈ છે.આ કાનુન ટુક સમયમાં લાગુ થવા જએ રહ્યો છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે નવો પરિવાર કાયદો અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરી છે. આ કાયદામાં બાળલગ્ન, છૂટાછેડા અને મહિલાઓના અધિકારોને લઈને ઘણા વિવાદાસ્પદ પ્રાવધાનો સામેલ કરવામાં આવ્યા છે. આ કારણે માનવ અધિકાર સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
અહેવાલ મુજબ નવા કાયદામાં છોકરીઓના લગ્ન માટેની ઉંમર અંગે સ્પષ્ટ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. જેના કારણે ઓછી ઉંમરમાં લગ્નને પ્રોત્સાહન મળી શકે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે. સાથે જ મહિલાઓને છૂટાછેડા લેવા માટે મર્યાદિત અધિકારો આપવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કાયદામાં ઘણા મામલાઓમાં પુરુષને વધુ અધિકાર આપવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
તાલિબાન સરકારનું કહેવું છે કે આ કાયદો ઇસ્લામિક શરિયત અને પરંપરાગત અફઘાન મૂલ્યોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. સરકારના સમર્થકોનું માનવું છે કે પરિવાર વ્યવસ્થા અને સામાજિક નિયમો જાળવવા માટે આ પ્રકારના કાયદા જરૂરી છે. જોકે વિપક્ષી અવાજો અને માનવ અધિકાર કાર્યકરોનું કહેવું છે કે આવા નિયમો મહિલાઓની સ્વતંત્રતા અને સમાનતાના અધિકારોને ગંભીર રીતે અસર કરશે.
આવા કાયદા મહિલાઓનું જીવન દુષ્કર બનાવી શકે
સંયુક્ત રાષ્ટ્ર અને અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેઓનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને બાળાઓ માટે શિક્ષણ, રોજગાર અને સામાજિક જીવન પહેલાથી જ મુશ્કેલ બની ગયું છે, ત્યારે આવા કાયદા તેમની સ્થિતિ વધુ નબળી બનાવી શકે છે.
તાલિબાન સત્તામાં આવ્યા પછી મહિલાઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. યુવતીઓના ઉચ્ચ શિક્ષણ પર પ્રતિબંધ, જાહેર સ્થળોએ કડક નિયમો અને ઘણી નોકરીઓમાં મહિલાઓની ભાગીદારી ઘટાડવાના નિર્ણયોને કારણે પહેલાથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ રહી છે. હવે નવા પરિવાર કાયદાને કારણે ફરી એકવાર તાલિબાન સરકાર વિવાદમાં આવી ગઈ છે.