અમેરિકાના શિકાગો શહેરમાંથી એક વિચિત્ર અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. અહીં કાળઝાળ ગરમીના કારણે શિકાગોનો પ્રખ્યાત 'ડુસેબલ લેક શોર ડ્રાઈવ' (DuSable Lake Shore Drive) બ્રિજ ખુલ્લી સ્થિતિમાં જ જામ થઈ ગયો હતો, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
કેવી રીતે સર્જાઈ આ સમસ્યા?
શિકાગો ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નદીમાંથી બોટ પસાર થવાની હોવાથી બ્રિજને નિયમિત ધોરણે ઉપર કરવામાં આવ્યો હતો. પરંતુ, જ્યારે બ્રિજને નીચે લાવવાનો સમય થયો ત્યારે અતિશય ગરમી (Extreme Heat) અને તાપમાનના પ્રકોપને કારણે બ્રિજના મેટલ કમ્પોનન્ટ્સ (પાર્ટ્સ) વિસ્તરણ પામ્યા (Expansion થયું) હતા. આ ટેકનિકલ ખામીના કારણે બ્રિજ પોતાના યોગ્ય સ્થાને બેસી શક્યો નહીં અને ખુલ્લી (Up) સ્થિતિમાં જ અટવાઈ ગયો. તાપમાન વધવાથી ધાતુઓ વિસ્તરવાને કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનું એન્જિનિયરોએ જણાવ્યું હતું.
કલાકો સુધી વાહનચાલકો પરેશાન
બ્રિજ અચાનક બંધ થઈ જવાને કારણે ડાઉનટાઉન વિસ્તારમાં હાઇવે પર લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકો કલાકો સુધી ફસાઈ રહ્યા હતા. કટોકટી અને ટ્રાફિક વિભાગના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે સ્થિતિ સંભાળી હતી અને વૈકલ્પિક રૂટ ડાયવર્ટ કરીને વાહનવ્યવહારને નિયંત્રિત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.