IPLના ધમધમાટ વચ્ચે મુંબઈથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં આઈપીએલ મેચોના લાઈવ પ્રસારણ સાથે જોડાયેલા એક અનુભવી બ્રિટિશ એન્જિનિયરનું દક્ષિણ મુંબઈની જાણીતી ટ્રાયડન્ટ હોટલમાં રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું છે. 76 વર્ષીય ઇયાન વિલિયમ લેંગફોર્ડ સોમવારે સવારે પોતાના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવતા ચકચાર મચી ગઈ છે.
BCCIની ટેકનિકલ ટીમમાં હતા કાર્યરત
મૃતક ઇયાન લેંગફોર્ડ માત્ર પ્રવાસી નહોતા, પરંતુ તેઓ એક કુશળ બ્રોડકાસ્ટ એન્જિનિયર હતા. તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ટીમના મહત્વના સભ્ય તરીકે IPLના ટેલિકાસ્ટ માટે મુંબઈના વિવિધ સ્ટેડિયમોમાં ટેકનિકલ જવાબદારી સંભાળી રહ્યા હતા. તેઓ ગત 24 માર્ચથી હોટલ ટ્રાયડન્ટના રૂમ નંબર 2715માં રોકાયા હતા.
માસ્ટર કીથી દરવાજો ખોલતા જ સ્ટાફ ચોંકી ઉઠ્યો
મળતી માહિતી મુજબ, 29 માર્ચના રોજ મેચનું કામ પૂરું કરી લેંગફોર્ડ મોડી રાત્રે હોટલ પરત ફર્યા હતા. બીજા દિવસે સવારે જ્યારે હોટલ સ્ટાફે તેમને જગાડવા માટે ફોન કર્યો ત્યારે કોઈ જવાબ મળ્યો નહોતો. સતત ફોન કરવા છતાં પ્રતિસાદ ન મળતા હોટલ મેનેજમેન્ટે માસ્ટર કી વડે દરવાજો ખોલ્યો હતો. અંદર જતાં જ લેંગફોર્ડ જમીન પર અચેત હાલતમાં મળી આવ્યા હતા. હોટલના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ
મરીન ડ્રાઈવ પોલીસે આ મામલે એક્સિડેન્ટલ ડેથ (ADR) નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ કાવતરું કે શંકાસ્પદ બાબત જણાઈ નથી, પરંતુ મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને બોમ્બે હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.