BREAKING NEWS

બિલ્ડર લોબીનો મનપાને એક જ સવાલ: ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ ક્યારથી થશે ?

  • November 05, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટની બિલ્ડિંગ્સમાં કરાયેલા આર્કિટેકચરલ પ્રોજેક્શન (ફ્લાવર બેડ) મામલે અનેકના બીયુપી અટકી પડતા લાગલગાટ દોઢ વર્ષ સુધી વ્યાપક રજુઆતોને અંતે ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવા ધનતેરસના દિવસે તા.૧૮-૧૦-૨૦૨૫ના રોજ ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા પરિપત્ર પ્રસિધ્ધ કરાયો હતો જેને આજે ૧૯ દિવસ પૂર્ણ થયા છે તેમ છતાં સ્થાનિક કક્ષાએ રાજકોટ મહાનગરપાલિકા કે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રેગ્યુલરાઇઝ કરવાની કોઇ પ્રક્રિયા આજ દિવસ સુધી શરૂ કરાઇ નથી અને ક્યારથી શરૂ થશે ? તેનો જવાબ પણ કોઇ પાસે નથી.

ટાઉન પ્લાનિંગ ઓફિસર વિહોણી બનેલી રાજકોટ મહાપાલિકાએ હવે ફરી ટીપીઓ આપવા માટે સરકાર સમક્ષ ખોળો પાથર્યો છે, ઇન્ચાર્જ મ્યુનિસિપલ ટીપીઓ સુમરાની ગત તા.૧૫ ઓક્ટોબરે બદલીનો હુકમ થયા બાદ તા.૨ નવેમ્બર સુધી રાજકોટમાં કાર્યરત રહ્યા હતા અને તા.૩ નવેમ્બરને સોમવારે ચાર્જ છોડ્યો હતો. જ્યારે પ્રવર કચેરીમાં સુમરાના રેગ્યુલર ચાર્જમાં જુનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાંથી નિયુક્ત થયેલા આર.ડી.પરમારે ગઇકાલે તા.૪ને મંગળવારે ચાર્જ સંભાળ્યો હતો. સંભવત: આર.ડી.પરમારને રાજકોટ મનપાના ટીપીઓનો ચાર્જ સોંપાશે તેવી ચર્ચા છે પરંતુ હજુ સુધી આ અંગે કોઇ હુકમ થયો નથી. અલબત્ત રાજકોટ મહાપાલિકાએ ટીપીઓની જગ્યા ખાલી પડી હોવા અંગે સરકારમાં ધ્યાન દોર્યું છે પરંતુ પ્રત્યુત્તર સ્વરૂપે કોઇ કાર્યવાહી થઇ નથી.

એક અંદાજ મુજબ ૩૦૦થી વધુ બિલ્ડિંગ પ્રોજેક્ટની કુલ ૫૦૦૦ જેટલી મિલકતોના બીયુપી અટકેલા છે જેના કારણે બિલ્ડર્સ અને ખરીદનાર પરેશાન છે, હવે દંડ વસુલી ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવા સરકારે હુકમ કર્યો છે પરંતુ સ્થાનિકે રાજકોટ મહાપાલિકા તંત્ર આ હુકમની અમલવારી શરૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે રેગ્યુલરાઇઝ કરવાનું શરૂ ક્યારથી થશે તેનો કોઈને ખ્યાલ નથી, અધિકારી કે પદાધિકારીઓ દ્વારા કોઇ તારીખ જાહેર કરાઇ નથી.

દર મહિનાના પહેલા મંગળવારે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની જનરલ રિવ્યૂ મિટિંગ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મળતી હોય છે જે ગઇકાલે બપોરે રાબેતા મુજબ મળી હતી પરંતુ તેમાં પણ ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવા અંગે કોઇ ચર્ચા થઇ નહીં હોવાનું મ્યુનિ.સૂત્રોમાંથી જાણવા મળે છે.



સરક્યુલર બ્રાન્ચમાં આવ્યો નથી

રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોનના ઝોનલ ટાઉન પ્લાનર ભાર્ગવ બરવાળીયાનો સંપર્ક સાધતા તેમણે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે સરકારનો પરિપત્ર થયો છે પરંતુ હજુ સુધી ટીપી બ્રાન્ચમાં પરિપત્ર ઇનવર્ડ થયો નથી !



ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે

રાજકોટ મહાપાલિકાના ઇસ્ટ ઝોનના ઝોનલ ટાઉન પ્લાનર અભિ પટેલનો સંપર્ક સાધતા તેમણે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં કામગીરી શરૂ થવી જોઇએ પરંતુ આ અંગેની કામગીરી શરૂ ક્યારથી થશે તે અંગે કોઇ સુચના મળી નથી.



હજુ કોઇ સુચના મળી નથી

રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોનના ઝોનલ ટાઉન પ્લાનર હેતલબેન પટેલનો સંપર્ક સાધતા તેમણે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હજુ સુધી આ અંગેની કામગીરી ક્યારથી શરૂ કરવી તે અંગે કોઇ માર્ગદર્શન નથી પરંતુ ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ થશે તેમ જણાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application