રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચે આજે મવડી વિસ્તારમાં ફોર્ચ્યું ન હોટેલ સામે ગુપ્ત ડિમોલિશન હાથ ધરીને ૧૫૦ કરોડની જમીન ખુલી કરાવી હોવાનું જાણવા મળે છે.
મ્યુનિ. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, વોર્ડ નં.૧૨ના મવડી વિસ્તારમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર ઉમિયા ચોક નજીક હોટલ ફોર્ચ્યુંનના સામેના ભાગે મવડી ટીપી સ્કીમ નં.૨૧ ફાઇનલ હેઠળના કોમર્શિયલ વેંચાણ હેતુના રિઝર્વેશનના પ્લોટ નં.૧૮ એ, પ્લોટ નં.૧૮ બી, પ્લોટ નં.૨૬ એ, પ્લોટ નં.૨૫ એ, પ્લોટ નંબર ૪૩ એ સહિતના પાંચ પ્લોટમાંથી પાંચ કાર મેળા અને બે ગેરેજ સહિતના સાત દબાણો દૂર કરી કુલ અંદાજે આઠથી દસ હજાર ચોરસ મીટર જેટલી જમીન ખુલી કરાવવામાં આવી હતી જેની અંદાજિત બજાર કિંમત રૂ.૧૫૦ કરોડ જેટલી થવા જાય છે.
ઉપરોક્ત પ્લોટ્સના દબાણકર્તાઓ કોર્ટમાં ગયા હતા પરંતુ કેસમાં પરાજિત થતા અંતે આજે મહાપાલિકાનું બુલડોઝર ફર્યું હતું તેમ જાણવા મળે છે.