રાજકોટ-મોરબી રોડ પર બેડી ચોકડી નજીક અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચડી જતા વેપારી વૃદ્ધનુ ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પરિવારજનો અને કુવાડવા પોલીસ સ્થળ પર દોડી ગયા હતા. વેપારી વૃધ્ધ બેડી યાર્ડમાં દુકાન ધરાવતા હતા અને ગઈકાલે સાંજે દુકાનેથી રતનપર ઘર તરફ જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રતનપર ગામે સાંગાણીનગરમાં રહેતા કામેશ્વરભાઈ રામજીભાઈ જોશી (ઉ.વ.71)ના વૃધ્ધ ગઈકાલે સાંજે સાતેક વાગ્યે પોતાનું મોટરસાઈકલ લઈ બેડી યાર્ડથી રતનપર ઘરે જતા હતા ત્યારે બેડી ગામ નજીક ક્રિષ્ના હોટેલ પાસે પહોંચતા પુરપાટ ઝડપે નીકળેલા અજાણ્યા વાહન ચાલકે બાઇકને ઠોકરે લેતા વૃધ્ધ બાઈક સમેત ફંગોળાયા હતા. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી ગયા હતા અને કોઈએ 108ને જાણ કરતા 108 સ્થળ પર ઘટના પહોંચી ઇએમટીએ જોઈ તપાસી વૃધ્ધને માથા અને શરીરના ભાગે ઇજા ગંભીર ઇજા હોવાથી મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ મૃતકના પરિવારજનો તેમજ પોલીસને કરવામાં આવતા સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે જરૂરી પંચરોજ કામ કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.મૃતક બેડી યાર્ડમાં કરિયાણાની દુકાન ધરાવતા હતા અને સંતાનમાં બે પુત્ર છે, અકસ્માત સર્જી નાસી જનાર વાહન ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.