BREAKING NEWS

લુખ્ખાગીરી: ઉધારમાં વસ્તુ આપવાની ના કહેતા વેપારી પિતા-પુત્રને મારમારી, મોબાઇલ પડાવ્યો

  • December 09, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં પોલીસની ઓસરતી જતી ધાકના લીધે લુખ્ખા અને ગુંડા તત્વો બેફામ થયા છે. આ વાતની પ્રતીતિ કરાવતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના રેલવે સ્ટેશન રોડ પર પાનની દુકાન ધરાવનાર વેપારીએ અજાણ્યા ગ્રાહકને ઉધારમાં વસ્તુ આપવાની ના કહેતા તેણે ફોન કરી પોતાના ભાઇને બોલાવ્યો હતો. બાદમાં બંનેએ વેપારી તથા તેના વૃદ્ધ પિતાને લાકડી વડે માર મારી તેમની પાસેથી મોબાઇલ ફોન પડાવી લીધો હતો. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિંધી વેપારીની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે બે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં વેપારી પર હુમલો કરનાર પોપટપરામાં રહેતા બે સગા ભાઈઓને ઝડપી લઇ તેમની આકરી સરભરા કરી હતી.


જાણવા મળતી વિગતો મુજબ, 150 ફૂટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે સુંદરમ શિલ્પ બી ૧/૬૦૪ માં રહેતા ગૌરવભાઈ સતિષભાઈ કરમચંદાણી (ઉ.વ. 26) દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને રેલવે સ્ટેશન રોડ પર રિઝર્વેશન ઓફિસ સામે જય ભારત પાન નામની દુકાન આવેલી છે. ગઈકાલે રાત્રિના નવેક વાગ્યે આસપાસ ગૌરવભાઈ તથા તેના પિતા સતિષભાઈ દુકાને હતા ત્યારે એક અજાણ્યો વ્યક્તિ દુકાને આવ્યો હતો. જે અગાઉ પણ અહીં આવ્યો હોય અને તેણે ઉધારમાં વસ્તુ માંગતા આપવાની ના પાડી હતી. ગઈકાલે ફરી તેણે ઉધારમાં વસ્તુ માંગી હતી જેથી વેપારીએ વસ્તુ આપવાની ના પાડતા તે બોલાચાલી કરી વેપારી તથા તેના પિતાને ગાળો આપવા લાગ્યો હતો તેને ગાળો આપવાની ના કહેતા તેને ફોન કરી અન્ય કોઈ વ્યક્તિને બોલાવ્યો હતો. જે શખસ હાથમાં લાકડી લઈ અહીં આવ્યો હતો.


બાદમાં બંને ઝઘડો કરવા લાગ્યા હતા. યુવાનના વૃદ્ધ પિતા સતિષભાઈને આ શખસે ઝાપટ મારી દીધી હતી. જેથી વેપારી દુકાનની બહાર નીકળી બચાવવા જતા આ બંને શખસોએ ફરિયાદી ગૌરવભાઈ અને તેના પિતા સતિષભાઈને લાકડી વડે માર મારવા લાગ્યા હતા. ફરિયાદીના પિતા સતિષભાઈ પાસેથી આરોપીએ મોબાઈલ પણ બળજબરીથી પડાવી લીધો હતો. દરમિયાન અહીં લોકો એકત્ર થતાં બંને શખસો એકટીવામાં ભાગી ગયા હતા. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.


સરાજાહેર લુખ્ખાગીરીના આ બનાવને લઈ પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર. વસાવાની રાહબરી હેઠળ ટીમે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ વેપારી પિતા-પુત્ર પર હુમલો કરનાર પોપટપરામાં રહેતા અમન મોડ અને આસિફ મોડ જે બંને સગા ભાઈઓ હોય તેને ઝડપી લીધા હતા. પોલીસે બંનેની આકરી સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application