જન્માષ્ટમીના તહેવારોની લાંબી રજાઓ પૂર્ણ થતાં જ સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં ફરી એકવાર ધમધમાટ શરૂ થયો છે. રજાઓ બાદ યાર્ડ ખૂલતાં જ ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ પોતાનો માલ વેચાણ અર્થે લાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. શરૂઆતના તબક્કામાં જ ડુંગળી, લસણ, નવી મગફળી અને સોયાબીનની મબલખ આવક નોંધાઈ છે, સારા ભાવ મળતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છે.
માર્કેટયાર્ડ માં આજે ડુંગળીની 15,000 કટ્ટાની આવક નોંધાઈ હતી અને ખેડૂતોને તેના ભાવ ₹600 થી ₹970 સુધી મળ્યા હતા. લસણની બજારમાં ભારે માંગ રહેતા 12,000 કટ્ટાની આવક થઈ હતી, જેના ભાવ ₹1,200 થી ₹2,000 સુધીના ઊંચા સ્તરે રહ્યા હતા. આ ઉપરાંત સીઝનની નવી મગફળીની શરૂઆત થતાં 1,000 ગુણીની આવક સાથે તેના ભાવ ₹1,200 થી ₹1,600 બોલાયા હતા. જ્યારે નવા સોયાબીનમાં પણ 11 કટ્ટાની આવક સામે ₹1,151 ના ભાવે સોદા થયા હતા.
ખેડૂતોને માલ લઈને આવતી વખતે તહેવારો નાં ટ્રાફિકની સમસ્યા કે લાંબી કતારોનો સામનો ના કરવો પડે અને તેઓ પોતાની અનુકૂળતા મુજબ માલ લાવી શકે, તે માટે યાર્ડ સત્તાધીશો દ્વારા તમામ પ્રકારની જણસીની આવક હાલ 24 કલાક માટે ચાલુ રાખવામાં આવી છે. તહેવારોની રજાઓ પૂરી થઈ ગઈ છે અને હવે ખેતરોમાં પાક તૈયાર થઈ રહ્યો હોવાથી, આગામી દિવસોમાં માર્કેટયાર્ડમાં વિવિધ જણસીઓની આવકમાં હજુ પણ મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.