BREAKING NEWS

જામનગરમાં સીબીઆઇ-આઇટીના દરોડા બાદ જયપુરથી સીએની ધરપકડ

  • November 28, 2025 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગઇકાલે જામનગરમાં સીબીઆઇ અને ઇન્કમટેક્સ દ્વારા જોઇન્ટ ઓપરેશન અંતર્ગત દરોડા પાડવામાં આવ્યા હોવાની સનસનાટીજનક વિગતો ખૂલ્યા પછી મોડી સાંજે એ બાબતનો ખુલાસો થયો છે કે, આ પ્રકરણના અનુસંધાને સીબીઆઇ દ્વારા આઇટીએટીના જયપુરના સભ્યની ધરપકડ કરવામાં આવી હતી અને સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ રીમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ સાથે એ બાબતનો પણ ઘટસ્ફોટ થયો છે કે, ઇન્કમટેક્સ અપીલ ટ્રીબ્યુનલમાં મોટાપાયે ગોબાચારી ચાલી રહી હતી અને આ ભ્રષ્ટાચારની વિગતો સીબીઆઇ સુધી પહોંચ્યા બાદ ટ્રીબ્યુનલમાં એક સભ્યની ધરપકડ કરી લેવામાં આવ્યા પછી આ બીજી ધરપકડ થઇ છે.


ગઇકાલે સીબીઆઇ અને આઇટી સંયુક્ત રીતે જામનગરમાં ત્રાટક્યા હોવાની પ્રાથિમક વિગતો ખુલ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો, એવું જાણવા મળ્યું હતું કે, સીબીઆઇની ટીમ દ્વારા અહીંના એક બિલ્ડરના ભત્રીજા અને તબીબ પુત્રની પૂછપરછ કરવામાં આવી હતી, કેટલાક દસ્તાવેજો પણ ચેક કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે, આ ઉપરાંત આ પ્રકરણ સાથે સંકળાયેલા ટ્રીબ્યુનલના સભ્યના જામનગર સ્થિત પ્રતિષ્ઠાન પર છાનબીન થઇ હોવાનું સૂત્રો જણાવે છે.


આખરે આ મામલો છે શું ? તેના ઉંડાણમાં ઉતરતા આજકાલને એવી વિગતો મળી છે કે, ઇન્કમટેકસ અપીલ ટ્રીબ્યુનલમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર થતો હોવાની વિગતો સીબીઆઇ સુધી પહોંચી હતી અને તેની તપાસમાં તથ્ય જણાતા સીબીઆઇ દ્વારા જે તે સમયે ટ્રીબ્યુનલના એક સભ્ય એસ.સીતાલક્ષ્મીની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે એમની ધરપકડ થઇ ત્યારે એમની કારમાંથી રોકડા ૩૦ લાખ ‚પિયા પણ સીબીઆઇને મળ્યા હતા.


એમની પૂછપરછ બાદ ટ્રીબ્યુનલના બીજા સભ્ય કમલેશ રાઠોડ પર તપાસનો કેમેરો કેન્દ્રીત થયો હતો અને સીબીઆઇએ કેટલીક વિગતોની ખરાઇ કર્યા બાદ વધુ વિગતો મેળવવા માટે આઇટીની ટીમને સાથે રાખીને જામનગરમાં ગઇકાલે ગુપ્તરાહે સર્ચ ઓપરેશન કર્યું હતું અને તેમાં કહેવાય છે કે મહત્વની વિગતો મેળવી હતી.


આ પછી ગઇકાલે જ સીબીઆઇ દ્વારા જયપુર સ્થિત આઇટીએટીના બીજા સભ્ય કમલેશ રાઠોડની ધરપકડ કરી લેવામાં આવી અને ગઇકાલે જ એમને સીબીઆઇની ખાસ અદાલત સમક્ષ રજૂ કરી પાંચ દિવસના રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. અદાલતે તા. ૧ સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા.


સીબીઆઇએ ભ્રષ્ટાચારના મુદ્દે તપાસ કરી છે તેમાં એવો પણ ખુલાસો થયો છે કે જયપુરના વિજય ગોયલ નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દલાલીના રોલમાં હતા, તેને પકડવા માટે સીબીઆઇની ટીમો ત્રાટકી હતી, પરંતુ તે હાલ નાસી છૂટ્યા છે.


આઇટીએટીના ભ્રષ્ટાચારના આ પ્રકરણની તપાસ અંતર્ગત જ સીબીઆઇ અને ઇન્કમટેક્સની ટીમ જામનગર આવી હતી અને અહીં બિલ્ડરના ભત્રીજા તથા તબીબના પુત્ર એવા ક્ધયા રાશિ નામક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી, એવું પણ જાણવા મળ્યું છે કે, સીબીઆઇ દ્વારા આ વ્યક્તિનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તેની પાસેથી કોઇ રોકડ રકમના સગળ મળ્યા છે કે કેમ ? એવી કોઇ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આઇટીએટીનું કામ શું છે ? આ સંબંધે વિગતો મેળવવામાં આવતા જાણવા મળ્યું છે કે, ઇન્કમટેક્સની આ અપીલ ટ્રીબ્યુનલમાં આયકર સંબંધિત વિવિદાસ્પદ કેસ આવતા હોય છે અને તેના પર ટ્રીબ્યુનલને ચૂકાદો આપવાનો હોય છે, આ ટ્રીબ્યુનલમાં એસ.સીતાલક્ષ્મી અને કમલેશ રાઠોડ દ્વારા મોટાભાગના ચૂકાદા ઇન્કમટેક્સની વિરૂઘ્ધ અપાયા હોવાની શંકા આઇટીને ગયા બાદ આખો મામલો સીબીઆઇ સમક્ષ મુકવામાં આવ્યો હતો અને ત્યારપછી તપાસ થયા બાદ એવો ધડાકો થયો હતો કે, ટ્રીબ્યુનલમાં મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે.


ગઇકાલે સીબીઆઇના સૂત્રોએ એવી પણ જાહેરાત કરી છે કે આઇટીએટીના આ પ્રકરણ અંતર્ગત આયકરના ઉપરાંત બહારના કેટલાક લોકોની પણ આગામી સમયમાં ધરપકડો થઇ શકે છે કે જેમણે આ ભ્રષ્ટાચારમાં રોકડ રકમની લેવડદેવડ કરી છે અથવા એવી રકમને થાળે પાડી છે, દરોડાઓના પગલે જામનગરમાં ભારે ચર્ચા જાગી છે.


આ મામલો જ્યારે આઇટીએટીનો છે એટલે કે ઇન્કમટેક્સની અપીલ ટ્રીબ્યુનલ છે, તો પછી તેમાં બિલ્ડરના ભત્રીજા અને તબીબ પુત્રનો શું રોલ રહ્યો છે ? શું કામ સીબીઆઇ દ્વારા તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે ? એ બધી બાબતો હાલ અનુત્તર છે, જ્યારે સીબીઆઇ દ્વારા સત્તાવાર રીતે બધી વિગતો જાહેર થશે ત્યારે વિશેષ ખુલાસા થઇ શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application