રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ વિસ્તારમાં સી.જી.એસ.ટી વિભાગના વર્ગ-2નો અધિકારીને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રંગે હાથ ઝડપવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવથી સરકારી તંત્રમાં હડકંપ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સી.જી.એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2ના અધિકારી ધર્મેન્દ્ર સરયુપ્રસાદ યાદવે BIXPORT એક્સપોર્ટ ઈમ્પોર્ટ નામની કંપનીના માલિક પાસેથી રૂ. 5,000ની રોકડ લાંચ સ્વીકારી હતી. અધિકારી કંપનીના વેરિફિકેશન માટે ગયા હતા અને ત્યારબાદ ફાઈનલ રિપોર્ટ અનુકૂળ આપવા માટે લાંચની માંગ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
કંપનીના માલિકે આ અંગે ACBનો સંપર્ક કર્યો
ફરિયાદી એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કંપનીના માલિકે આ અંગે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACB દ્વારા આયોજનબદ્ધ રીતે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. નક્કી થયા મુજબ ગઈકાલે ફરિયાદી અને આરોપી અધિકારી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મળ્યા હતા. ત્યાં અધિકારીએ લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે તુરંત જ કાર્યવાહી કરી અને અધિકારીને રંગે હાથ ઝડપી લીધો હતો.
સમગ્ર ઘટનાને લઈને સરકારી વિભાગોમાં ચકચાર ફેલાઈ
ACB દ્વારા સ્થળ પર જ લાંચની રકમ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી અધિકારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાને લઈને સરકારી વિભાગોમાં ચકચાર ફેલાઈ છે, જ્યારે ACBની આ કાર્યવાહીથી ભ્રષ્ટાચાર સામે કડક સંદેશો આપવામાં આવ્યો હોવાનું લોકો કહી રહ્યા છે. આ મામલે આગળની કાયદેસર કાર્યવાહી ACB દ્વારા કરવામાં આવશે.