BREAKING NEWS

જામનગરમાં સ્ક્રેપ સહીત ૧૨ બ્રાસપાર્ટના એકમોમાં સીજીએસટી ટીમ ત્રાટકી 

  • October 17, 2025 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં દિવાળીના તહેવાર ટાંકણે  સ્ક્રેપ સહીત ૧૨ બ્રાસપાર્ટના એકમોમાં સીજીએસટી ટીમના દરોડાથી ઉધોગકારોમાં ભારે દોડધામ મચી ગઇ છે. ૧૧૨ કરોડની કરચોરીના કૌંભાડના ગણતરીના દિવસોમાં પુન: દરોડાથી શહેરભરમાં ભારે ચકચાર મચી ગઇ છે. જીએસટીના અધિકારીઓ દ્રારા કારખાના સહીત રહેણાંક મકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમ્યાન મસમોટી કરચોરી ખૂલવાની શકયતા નકારી શકાતી નથી.


જામનગરમાં તાજેતરમાં સ્ટેટ જીએસટીની ટીમોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં તપાસ દરમ્યાન શહેરના હીરજી મીસ્ત્રી રોડ પર બ્રહ્મ એસોસીએટ પેઢી ધરાવતા સીએ અલ્કેશ પેઢડીયા દ્રારા રૂ.૫૬૦ કરોડનું બોગસ બીલીંગ કરી રૂ૧૧૨ કરોડનું કરચોરી કરવામાં આવ્યાનું ખૂલ્યું હતું. જીએસટીની તપાસ દરમ્યાન શહેરનું રેકર્ડબ્રેક કરચોરીનું કૌંભાડ ખૂલતા ચકચાર મચી ગઇ હતી.


આ કૌંભાડની શાહી હજુ સૂકાઇ નથી ત્યાં ગુરૂવારે સેન્ટ્રલ જીએસટી વિભાગની ૧૦થી વધુ ટુકડીઓ  શહેરના શંકરટેકરી અને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ત્રાટકતા ઉધોગકારોમાં દોડધામ મચી ગઇ હતી. જીએસટીના અધિકારીઓ દ્રારા બંને ઔધોગીક વિસ્તારમાં સ્ક્રેપ સહીત બ્રાસપાર્ટના એકમો ધરાવતા અને આયાત-નિકાસ કરતા શ્યામભાઇ, બાબુભાઇ, રામભાઇ, ભાવીકભાઇ, કપીલભાઇ અને કાનાભાઇની પેઢી સહીત ૧૨ સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કારખાનેદારો દ્રારા થતા આર્થિક વ્યવહારો, બીલ સહીતના દસ્તાવેજો અને સાહીત્યની ચકાસણી કરવામાં આવી હતી.


સવારથી શરૂ થયેલી તપાસ મોડી રાત સુધી ચાલી હતી. જીએસટીના અધિકારીઓએ તપાસ દરમ્યાન શંકાસ્પદ સાહીત્ય અને દસ્તાવેજો કબ્જે કર્યા હતાં. તપાસ દરમ્યાન મસમોટી કરચોરી ખૂલવાની શકયતા જીએસટીના અધિકારીઓેએ વ્યકત કરી છે.


બોગસ બીલીંગ દ્રારા કરવામાં આવતી જીએસટી ચોરીના પર્દાફાશની શકયતા
જામનગરના શંકરટેકરી અને દરેડ જીઆઇડીસીમાં કાર્યરત ૧૨ ઔધોગીક એકમા અને આ પેઢીના માલીકોના ઘેર સ્ટેટ નહીં પરંતુ સેન્ટ્રલ જીએસટી વિભાગની ટુકડીઓએ દરોડા પાડી તપાસ કરી શંકાસ્પદ દસ્તાવેજો અને સાહીત્ય કબ્જે કર્યું છે. ત્યારે આ દરોડામાં બોગસ બીલીંગ કરી કરવામાં આવતી મસમોટી કરચોરીના પર્દાફાશની શકયતા પણ અતરંગ સૂત્રોએ વ્યકત કરી છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application